‘અબતક’ ચેનલના 10મા જન્મદિને નિર્ધાર, ‘ગુજરાતી થાળી’ને વધુ સ્વાદિષ્ટ બનાવીશું…

સમય પરિવર્તનશીલ છે ત્યારે લોકતંત્રના ચોથા સ્તંભ સમાચાર માધ્યમો પણ સમય સાથે બદલાઇ રહ્યાં છે. તંદુરસ્ત લોકતંત્ર માટે સક્ષમ શાસક પક્ષ, જાગૃત વિપક્ષ, વિચારશીલ મતદારોની જેમ તટસ્થ અને નિડર સમાચાર માધ્યમોની આવશ્યકતા છે. ગુજરાતની અખબારી આલમમાં ‘અબતક મીડીયા હાઉસ’નું પદાર્પણ 14 ઓક્ટોબર, 2011થી પ્રિન્ટ મિડીયાથી થયું. પોઝીટીવ અને ઇર્ન્ફોમેટીવ ન્યૂઝના એક આગવા અભિગમ સાથે શરૂ થયેલાં અખબાર બાદ માત્ર 10 જ મહિનાના ટૂંકાગાળામાં ‘અબતક મિડિયા હાઉસ’એ વસુધેવ કુટુમ્બકમની ભાવનાને ઉજાગર કરવા અને ‘ગુજરાતી પણા’ંને વ્યાપક ફલક પર વિસ્તારવા માટે 15 ઓગષ્ટ, 2012ના દિવસે ‘અબતક ચેનલ’નો આરંભ કરી પરિવર્તનશીલ સમય સાથે તાલ મિલાવીને થોડા જ સમયમાં પ્રિન્ટ, વિઝ્યુઅલ અને ડીઝીટલ પ્લેટફોર્મ પર અબતકે સકારાત્મક અને માહિતી પ્રચુર સમાચારોની આહલેક જગાવી.

‘અબતક’ અખબારની જેમ ચેનલ પણ કંઇક અલગ અંદાજ સાથે ચલાવી માત્ર ન્યૂઝ ચેનલ નહીં વિવિધ કાર્યક્રમો સાથે જેમ જાત-જાતના ભોજન સાથે આખેઆખી ગુજરાતી થાળી પીરસવામાં આવે છે તેવી જ રીતે ‘અબતક’ ચેનલે તમામ પ્રકારના કાર્યક્રમો પીરસવાનો એક નોખો અને અનોખો રસ્તો કંડાર્યો. ‘અબતક’ જેવી એકપણ ચેનલ સૌરાષ્ટ્રમાં ક્યારેય ન હતી, આજે પણ નથી. ‘અબતક ચેનલ’નો કોઇ હરીફ નથી એટલે કોઇની હરિફાઇ નથી. ન્યૂઝ એકમાત્ર વાનગી તરીકે પીરસાય છે.

લોકસાહિત્ય, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાજીક કાર્યક્રમો, મનોરંજન, લોકસાહિત્યના કાર્યક્રમો, ધાર્મિક વિગતોથી લઇ ટીવી અને દ્રશ્યશ્રાવ્ય માધ્યમના તમામ વિષયો ‘અબતક ચેનલ’માં સપ્તાહના સાતેય દિવસ, 24 કલાક રિલીઝ થતાં રહે છે. લોકોને રસ પડે તેવાં તમામ વિષયના સતત પ્રસારણ માટે ‘અબતક મિડિયા હાઉસ’ દ્વારા આધુનિક ટેકનોલોજી અને તમામ સુવિધાઓથી સજ્જ હાઇટેક સ્ટુડીયો, કાબેલ કર્મચારી સ્ટાફગણ, દેશભરમાં સુસંસ્કૃત હ્યુમન રિસોર્સ નેટવર્ક અને સતત નવીનતમ પીરસવાની ધગશ સાથે ચાલતી ‘અબતક ચેનલ’ હવે સમગ્ર વિશ્ર્વમાં વસતાં ગુજરાતી પરિવારો અને ગુજરાતી અસ્મિતાને ચાહનારાં તમામ લોકોના ઘર-ઘર સુધી પહોંચી ગઇ છે.

10 જ વર્ષના સમયગાળામાં ‘અબતક’એ સમગ્ર વિશ્ર્વના 130થી વધુ દેશોમાં વિશ્ર્વાસનું વાતાવરણ ઉભું કર્યું છે તે ‘અબતક મિડીયા હાઉસ’ના પ્રેરણાદાતા પાટડી ઉદાસીન આશ્રમના સંત પૂજ્ય જગાબાપાના આશિર્વાદના ફળ છે. ‘અબતક ચેનલ’ 10માં વર્ષમાં મંગલાચરણ કરી રહી છે ત્યારે ગુજરાતી થાળીમાં પીરસાતી જાત-જાતની વાનગીઓથી પણ સવાયો આનંદ, સંતોષ અને સતત જ્ઞાનસભર માહિતીની તરસ છીપાવતાં ચેનલના તમામ કાર્યક્રમો હજુ વધુ સ્વાદિષ્ટ ‘રસપ્રચુર’ બનાવીને ‘અબતક મિડીયા હાઉસ’ અબતક ચેનલના સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને સમગ્ર વિશ્ર્વમાં વસતાં પ્રેક્ષકોના વિશ્ર્વાસને વધુ સુદ્રઢ બનાવવાનાં નિર્ધારનું જતન કરવાનાં સકલ્પ સાથે ‘અબતક ટીવી ચેનલ’ના 10મા જન્મદિવસે તમામને ‘અબતક મિડીયા હાઉસ’ હજુ વધુ સારું પિરસવાની ખાતરી આપે છે.

Leave a Comment