ઓવલમાં ‘અવ્વલ’ નંબરનો જીત નોંધાવતી ટીમ વિરાટ!!

અબતક, લંડન

ભારતીય ટીમે ઓવલમાં ઐતિહાસિક જીત મેળવી છે. આ પહેલા ઓવલમાં ભારતીય ટીમ ૧૩ ટેસ્ટ મેચ અહીં રમી ચુક્યુ છે. જેમાં ભારતીય ટીમ માત્ર એક જ વખત જીત હાંસલ કરી શક્યુ છે. એટલે એમ કહી શકાય કે જે દિગ્ગજો અગાઉ છેલ્લા પાંચ દાયકાથી લંડનના ઓવલમાં કરી શક્યા નથી, એ કામ કરી દેખાડવામાં સફળતા વિરાટ કોહલીને મળી છે. આ સાથે જ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝમાં ટીમ ઈન્ડીયા ૨-૧થી આગળ થઈ ચુક્યુ છે.

મેચ જીતવા પાછળ ભારતીય ટીમની ‘રિસ્ક હૈ તો ઇશ્ક હૈ’ની ફોર્મ્યુલા કારગત નીવડી હતી. ટીમમાં શાર્દુલ ઠાકુરને સ્થાન આપવાનો નિર્ણય સૌથી મહત્વપૂર્ણ સાબિત થયું હતું. પ્રથમ ઇનિંગમાં જ્યારે ભારતના મોટા બેટ્સમેનો નજીવા સ્કોરે આઉટ થયા હતા ત્યારે શાર્દૂલે ૫૭ રનની ઇનિંગ રમીને બતાવ્યું હતું કે, સ્કોર કરવો કોઈ મોટી વાત નથી. શાર્દૂલે પ્રથમ ઇનિંગમાં ૯ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકારી ૫૪ રન એકત્ર કર્યા હતા જ્યારે ફક્ત ૩ રન જ રનિંગથી મેળવ્યા હતા. બીજી ઇનિંગમાં પણ શાર્દુલે કમાલ કરી હતી અને શાનદાર બેટિંગ સાથે ધારદાર બોલિંગ કરી કેપ્ટન રૂટને પેવેલિયન ભેગો કરી દીધો હતો. બીજી બાજુ ઉમેશ યાદવને ટીમમાં સ્થાન આપવાનો નિર્ણય પણ કારગત નીવડ્યો હતો.

ઓવલમાં ભારતીય ટીમનો ઈતિહાસ જોવામાં આવે તો દિગ્ગજ કેપ્ટનો ધરાવતી ભારતીય ટીમો અહીં જીત મેળવવા સંઘર્ષ બાદ સફળ રહી શકી નથી. જેમાં સુનિલ ગાવાસ્કરથી લઈને મહેન્દ્રસિંહ ધોની સુધીનો સમાવેશ થાય છે. શ્રીનિવાસ વેંકટ રાઘવન ૧૯૭૦માં, ૧૯૮૨માં ગાવાસ્કર, ૧૯૯૦માં અઝહર, ૨૦૦૨માં ગાંગુલી, ૨૦૧૧ અને ૨૦૧૪માં ધોનીની કેપ્ટનશીપમાં ઓવલમાં ટેસ્ટ મેચ ટીમ ઈન્ડીયા રમી ચુકી છે. જે દરમ્યાન પણ ભારત અહીં ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યું નહોતુ.

આ પહેલા ઓવલ મેદાન પર ભારતે અહીં ૧૯૭૧માં ટેસ્ટ જીતી હતી. આજે સોમવારે બીજીવાર ભારતને જીતની સફળતા સાંપડી છે. આ પહેલા ૧૯૭૨માં અજીત વાડેકરની કેપ્ટનશીપમાં ભારતને જીત મળી હતી. આમ બરાબર પાંચ વર્ષ બાદ ભારતને જીતની મળી છે. ત્યારે ભારતે ચાર વિકેટે જીત મેળવી હતી. આ જીતના હીરો ભાગવત ચંદ્રશેખર રહ્યા હતા. જેમણે બીજા દાવમાં છ વિકેટ લીધી હતી. જેના કારણે ટીમ ઈન્ડીયાને જીતવા માટે ૧૭૩ રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ઓવલના મેદાન પર આ જીત અગાઉ ભારતે ૧૩માંથી પાંચ ટેસ્ટ હારી છે અને સાત ડ્રો કરી છે. આ પહેલા ઓવલના મેદાન પર રમાયેલી છેલ્લી ત્રણ ટેસ્ટમાં ભારતે હાર મેળવી હતી. જેમાંથી બે ટેસ્ટમાં તો એક ઈનિંગથી હાર મળી હતી. અંતિમ વખતે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાઈ, ત્યારે ટીમ ઈન્ડીયાનો ૧૧૮ રને પરાજય થયો હતો. કેએલ રાહુલ અને ઋષભ પંતે જે ટેસ્ટમાં સદી ફટકારી હતી. પરંતુ ભારત વિજયથી દૂર રહ્યું.

ભારતે ઓવલ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ ૧૯૩૬ માં રમી હતી, જ્યારે તેને ઈંગ્લેન્ડ દ્વારા નવ વિકેટે હરાવ્યું હતું. ત્યાર પછી ૧૯૪૬ અને ૧૯૫૨ માં ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ ડ્રો રહી હતી. ૧૯૫૯ માં જ્યારે બંને ટીમો અહીં સામસામે હતી, ત્યારે ઈંગ્લેન્ડ એક ઈનિંગ અને ૨૭ રનથી મેચ જીતી ગયું હતું. આ પછી ભારતે ૧૯૭૧ માં અહીં પ્રથમ વખત જીત મેળવી હતી.

શાર્દુલ ટીમ ઇન્ડિયાનો બોથમ બન્યો!!

શાર્દુલને ટીમ ઇન્ડિયના અમુક પ્લેયર્સ બિફી કહીને બોલાવવા લાગ્યા છે જેનો અર્થ ઇયાન બોથમ થાય છે. ઇંગ્લેન્ડનો ખેલાડી બોથમ એકલા હાથે મેચ જીતાડવા પ્રખ્યાત હતો. તે એકલા હાથે બેટિંગ કરીને ટીમને મોટો સ્કોર તો આપતો જ સાથે શાનદાર બોલિંગ કરીને પ્રતિસ્પર્ધી ટીમના કાંગરા ખેરવી નાખતો ત્યારે શાર્દુલની રમત પણ કંઇક એવી જ રહી હતી જેના કારણે શાર્દુલ ભારતીય ટીમનો બોથમ બની જાય તો નવાઈ નહીં તેવું કહી શકાય.

Leave a Comment