કારગિલ સંભારણા: દેશ માટે બલિદાન દીધાનું ગૌરવ પણ દિલમાં આજે પણ ખાલીપો- સાબરકાંઠાના શહીદ વીર જવાનની માતા ભાવવિભોર

સાબરકાંઠા, હિતેશ રાવલ:ભારત પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999માં માર્ચથી જુલાઈ સુધી કારગિલ યુદ્ધ લડાયું હતું. જેમાં દેશના 527થી વધુ વીર જવાનોએ શહાદત વહોરી હતી તેમજ 1363 જેટલા જવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી. જો કે કારગિલ યુદ્ધમાં ભારતે જીત હાંશલ કરી પાકિસ્તાનને ધૂળ ચાંટતું કરી દીધું હતું. આ જીત પાછળ સમગ્ર દેશના વીર જનતાનો પ્રચંડ તાકાતનો પરચો જવાબદાર હતો. વર્ષ 1999માં આજરોજ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વિજય પતાકા લહેરાવી આથી આજના 26મી જુલાઇના દિનને કારગિલ વિજય દિન તરીકે મનાવવામાં આવે છે. શહીદ વીર જવાનોને યાદ કરી શ્ર્દ્ધાંજલી આપવામાં આવે છે.

આ કારગિલ યુદ્માં ગુજરાતનાં વીર જવાન પણ દેશને માટે શહીદ થયેલા. જેમાં ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના કંથારીયા ગામના શૈલેષ નીનામા નામના વીર જવાનનો સમાવેશ છે. શહીદી વહોરનાર શૈલેષ નીનામા બાળપણથી જ શોર્ય અને અદમ્ય સાહસ થકી ભીલડી પ્રાથમિક સ્કૂલમાં ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ અમદાવાદ ખાતે ફર્સ્ટ બિહાર રાજ્ય ની ભરતી બહાર પડતા તેઓ સિલેક્ટ થયા હતા જેમાં બિહાર પટના ખાતે તેમની ટ્રેનિંગ પૂરી થઈ હતી અને બિહાર ટ્રેનિંગ બંધ ત્રણ વર્ષ માટે વિવિધ જગ્યાઓ ઉપર ફરજ માટે મુકાયા હતા.

જો કે ૧૯૯૯માં જમ્મુ કાશ્મીરમાં થયેલા કારગિલ યુદ્ધમાં તેમની પોસ્ટિંગ થતાં તેઓ કારગીલ વોરમાં જોડાયા હતા. જમ્મુ-કાશ્મીરના જુવાન ટોપ ઉપર 30 જૂન 1999 રાત્રિના સમયે અચાનક દુશ્મનોનો હુમલો કરતાં વીરતાપૂર્વક લડી દુશ્મનને આગળ વધતા અટકાવવા માટે જીવની બાજી ખેલી હતી. જો કે અચાનક થયેલા હુમલાને પગલે શૈલેષ નીનામા ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમ છતાં દુશ્મનો સામે મજબૂતાઈભેર લડત આપી અંતે તેઓ શહીદ થયા હતા. જેના પગલે તેમના મૃતદેહ વતન ખાતે લાવવામાં આવ્યો હતો તેમજ ગુજરાતમાં કારકિર્દીના પ્રથમ શહીદ તરીકે તેમનું મૃતદેહ વતન ખાતે લવાતા જિલ્લા સહિત રાજ્યમાં પણ ગૌરવ સાથે શોકનો માહોલ ફેલાયો હતો.

વીર જવાન શૈલેષ નીનામાના માતા-પિતાની આંખો આજે પણ તસવીર જોતાની સાથે જ આંસુથી ભરાઈ ઊઠે છે. શૈલેષ નિનામાના વૃદ્ધ માતા કહે છે બાવીસ વર્ષથી વધુ સમય થવા છતાં વ્હાલસોયા પુત્રની યાદ આજે પણ એટલી જ આવે છે તેમજ હૃદયના એક ભાગમાં ખાલીપો જોવા મળે છે. જો કે દેશ માટે શહીદ થયાનું ગૌરવ છે પરંતુ પરિવારમાં પડેલી ખોટ પણ એટલી જ દુખદ છે. આજના દિવસે પુત્રના નામની સાથે જ આંખમાંથી આંસુ સરી પડે છે. તેમના પરિવારમાં કુલ ચાર પુત્ર છે. ત્રીજા નંબરના પુત્રનું મોત થતા અન્ય બે પુત્રનું પણ અવસાન થયું છે હાલમાં માત્ર એક જ પુત્ર જીવિત છે.

આજના મહત્વના દિને સાબરકાંઠાના નિવૃત્ત ફોજી આગેવાન અરવિંદભાઈ અન્સારીએ જણાવ્યુ કે સાબરકાઠાં જીલ્લાના વિજયનગર પંથકમાં હાલના તબક્કે 800થી વધારે જવાનું ભારતની સરહદ ઉપર પોતાની ફરજ બજાવે છે. ભોમની રક્ષા ખાતે જીવસટોસટના ખેલ ખેલે છે. હજુ પણ આગામી સમયમાં સ્થાનિક વિસ્તારમાં લોકો સેનામાં જોડાવા માટે એટલી જ ઉત્સુકતા દાખવી રહ્યા છે કારગીલ શહીદ થયેલા શૈલેષ નિનામાનો પરિવારજન પણ આગામી સમયમાં શૈલેષ નીનામાના પગલે ચાલવાની વાતો કરે નજરે પડે છે. જો કે સ્થાનિક આગેવાનો પણ આગામી સમયમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોવાનું જણાવી રહ્યા છે.

Leave a Comment