ગુજરાતમાં આધુનિક ટેકનિકથી સ્કોર્પિયો ચોરી કરતા ચાર રાજસ્થાની ઝડપાયા

 

અબતક, રાજકોટ

ગુજરાતભરમાંથી આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને 16 થી વધુ સ્કોર્પિયો કાર ચોરી કરનાર ચકર રાજસ્થાની શખ્સોને ઝડપી પાડ્યા છે. દેશ વ્યાપી આ કાર ચોરીના કૌભાંડના સાગરીતોને ઝડપી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અને વધુ છ શખ્સોની શોધખોળ હાથધરી છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા: વધુ છ શખ્સોની શોધખોળ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલાં ચારેય શખ્સોએ સ્કોર્પિયો કારની ચોરી કરી નશીલા પદાર્થોની હેરાફેરી માટે ડ્રગ્સ માફિયાઓને પાણીના ભાવે વહેંચી નાખ્યા હોવાની કબૂલાત આપી છે. તો બીજી તરફ રાજકોટમાંથી ચોરી થયેલી સ્કોર્પિયો કારનો ઉપયોગ કરી રાજસ્થાનમાં ડ્રગ્સ માફિયાઓએ બે કોન્સ્ટેબલની હત્યા કરી હોવાનો પણ ભેદ ખુલ્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાની વાહન ઉઠાવગીર ગેંગે રાજકોટમાં પાંચ મહિના પૂર્વે મોરબી રોડ જકાતાનાકા પાસે બાલગોપાલ હોટેલ નજીકથી કાળા કલરની સ્કોર્પિયો તેમજ ચાર મહિના પૂર્વે 150 ફૂટ રિંગ રોડ પરની એક સોસાયટીમાંથી કાળા કલરની સ્કોર્પિયોની ચોરી કરી હતી અને છ મહિના પહેલા પાટીદાર ચોકની બાજુમાંથી સ્કોર્પિયોની ચોરીનો પ્રયાસ કર્યો હતો. મોરબી રોડ પરથી ચોરી કરેલી સ્કોર્પિયો રાજસ્થાનના ડ્રગ્સ માફિયાઓને વેચી દીધી હતી. તે સ્કોર્પિયો લઇને તા.10મી એપ્રિલના રાત્રે 10 વાગ્યે ડ્રગ્સ માફિયાઓ અફીણના ડોડવાનો મોટો જથ્થો લઇને નીકળ્યા હતા અને ભીલવાડા જિલ્લાના કોટડી પોલીસ સ્ટેશનની હદમાં પહોંચ્યા હતા ત્યારે કોન્સ્ટેબલ અમોરાજીએ સ્કોર્પિયો અટકાવવાનો પ્રયાસ કરતા ડ્રગ્સ માફિયાઓએ તેમના પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો અને સ્કોર્પિયોનો કાચ ખોલી ફાયરિંગ કરી કોન્સ્ટેબલ ઓમકારજીની હત્યા કરી ભાગી ગયા હતા. ત્યાંથી આગળ ભાગીને માફિયાઓએ રાયલા ગામમાં પણ કોન્સ્ટેબલ પર ફાયરિંગ કરી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

ચોરેલી કાર નશીલા પદાર્થની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓને પાણીના ભાવે વેચી નાખ્યાંની કબૂલાત

આ સ્કોર્પિયો કાર ઉઠાવગીર ગેંગ રાજસ્થાની શખ્સોની હોવાની અને તે છાશવારે રાજકોટ આવતી હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ ધાખડા, પીએસઆઇ રબારી, એએસઆઇ પ્રતાપસિંહ ઝાલા, કોન્સ્ટેબલ મયૂરભાઇ પટેલ અને નગીન ડાંગર સહિતની ટીમે વોચ ગોઠવી હતી, અનેક વખત પોલીસે પીછો પણ કર્યો હતો પરંતુ તે હાથ આવી નહોતી, જેથી રાજસ્થાની ગેંગ વધુ એક શિકાર માટે આવી હોવાની ચોક્કસ માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચની ટીમ ફરી એલર્ટ થઇ હતી અને ગેંગના ચાર શખ્સને ઝડપી લીધા હતા. પોલીસે રાજસ્થાનના ઓમપ્રકાશ ખંગારામ સુર્જનરામ ખીલેરી, અર્જુન ઉર્ફે અર્જુનરામ ઉર્ફે અનિલ રઘુનાથારામ ખીલેરી, ઓમપ્રકાશ ઉર્ફે પ્રકાશ ભગવાનરામ વગદારામ અને પાલડી ગામના પીરારામ લાડુરામ જાણીને ઝડપી લઇ બે સ્વિફ્ટ કાર, કાર સ્કેનર, જીપીએસ ઇન્સ્ટ્રુમેન્ટ, ચાર મોબાઇલ, બે ડિસમિસ અને ચાર અલગ અલગ નંબર પ્લેટ સહિત કુલ રૂ.7.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

રાજસ્થાની ગેંગની પૂછતાછમાં પોતાની ગેંગમાં ચવાગામના મોટારામ મુળારામ કડવાસરા, મોખાત્રાના બંશીલાલ અન્નારામ ખીલેરી, પનોરિયાના ઓમપ્રકાશ ઉર્ફે પિન્ટુ મંગલારામ ખીલેરી અને અરણાયના ઓમપ્રકાશ જોરારામ ખીલેરી હોવાની કબૂલાત આપી હતી. આ ગેંગ લાખો રૂપિયાની સ્કોર્પિયો કાર ચોરી કરીને રાજસ્થાનમાં ડ્રગ્સ માફિયાઓને રૂ.1 થી 2 લાખમાં પાણીના ભાવે વહેંચી દેતા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં આટલી જગ્યાઓએથી સ્કોર્પિયો કારની ઉઠાંતરી કરી હતી

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે રાજસ્થાનની સ્કોર્પિયો ચોરી ગેંગને દબોચી લઈ તેમની આગવીઢબે પૂછતાછ કરતા તેઓએ અત્યાર સુધી ગુજરાતમાંથી 16 થી વધુ સ્કોર્પિયો કાર ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જેમાં આ ગેંગ દ્વારા રાજકોટમાંથી 2, સુરેન્દ્રનગરમાંથી 2, મોરબીમાંથી 3, ગાંધીધામમાંથી 2, આણંદ-નડિયાદ અને સાણંદથી 1-1, પેટલાદમાંથી 2 અને વડોદરામાંથી 3 સ્કોર્પિયો કારની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે.

 

આધુનિક ટેકનિક અને સુજબૂજથી કારની ચોરી કરતા’તા

આ તસ્કરો ગેંગ રાત્રીના 10 વાગ્યે કારની રેકી કરી કાર જોઇ ગયા બાદ રાત્રે 2 વાગ્યે કારની ચોરી કરતા હતા. કાર ચોરતા પહેલા કારની નીચે જઇને કારના સાયરનનો વાયર કાપી નાખતા હતા. કારના વચ્ચેના દરવાજાના બે કાચ પૈકી નાના કાચની રિબન કાઢી ડિસમિસથી કાચ  કાઢ્યા બાદ હાથ અંદર નાખી દરવાજો ખોલી ગાડીમાં બેસી જતા હતા. સ્ટિયરિંગ વ્હિલની નીચે આવેલા ઇમોબિલાઇઝરના સ્ક્રૂ ખોલી ઇમોબિલાઇઝર કાઢી પોતાની સાથે લાવેલું ઇમોબિલાઇઝર ફિટ કરી દેતા હતા. ત્યાર બાદ બોનેટ ખોલી તેમાંથી ઇસીએમ કાઢી પોતાની સાથે લાવેલું ઇસીએમ લગાવતા હતા. કાર ચાલુ કરવામાં કોઈ સમસ્યા સર્જાય કાર સ્કેનરથી ફોલ્ટ સ્કેન કરી ફોલ્ટ જાતે જ દૂર કરી કાર હંકારી જતાં હોવાની પણ કબૂલાત આપી છે.

 

 

 

Leave a Comment