ગુલશન કુમાર હત્યાકાંડમાં બે શખ્સોને ઉંમરકેદ, હજુ તો મંદિરના પગથિયા ચડતાં જ હતા કે….

ગુલશન કુમાર હત્યાકાંડ મામલે બોમ્બે હાઇકોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. હાઇકોર્ટે ગુલશન કુમાર હત્યા કેસમાં રઉફ મર્ચેન્ટની સજાને યથાવત રાખી છે જ્યારે રમેશ તૌરાનીને લઇને રાજ્ય સરકારની અપીલ નકારી દીધી છે. આ સિવાય એક અન્ય આરોપી અબ્દુલ રાશિદ, જેને પહેલા સત્ર કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો તેને પણ હાઇકોર્ટે દોષિત ઠેરવ્યો છે. મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીની જાણીતી હસ્તી ગુલશન કુમારની ઓગસ્ટ 1997માં મુંબઇની અંધેરી વિસ્તારમાં સ્થિત એક મંદિર બહાર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

આરોપી અબ્દુલ રઉફ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો સાથી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું કે અબ્દુલ રઉફ કોઇપણ પ્રકારની દયાનો હકદાર નથી કારણ કે તે પહેલા પેરોલના બહાને બાંગ્લાદેશ ભાગી ગયો હતો. અબ્દુલ રઉફ ગુલશન કુમારની હત્યા બાદ દોષિત જાહેર થયો હતો. આ કેસમાં એપ્રિલ 2002માં તેને ઉંમરકેદની સજા મળી હતી. ત્યારબાદ 2009માં તે પેરોલ લઇને બહાર આવ્યો અને બાંગ્લાદેશ ભાગી ગયો હતો. ત્યારબાદ તેની બાંગ્લાદેશમાંથી ધરપકડ કરવામાં આવી અને ભારત પરત લાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખીય છે કે ગુલશન કુમાર હત્યાકાંડ સાથે જોડાયેલી કુલ ચાર અરજી બોમ્બેકોર્ટમાં આવી હતી, જેમાંથી ત્રણ અપીલ અબ્દુલ રઉફ, રાકેશ ચંચલા પિન્નમ અને રાકેશ ખાઓકરને દોષિત જાહેર કરવાના વિરોધમાં હતી. તો અન્ય યાચિકા મહારાષ્ટ્ર સરકારે દાખલ કરી હતી જેમાં બોલીવૂડ પ્રોડ્યુસર રમેશ તોરાનીને નિર્દોષ જાહેર કરવાના વિરોધમાં હતી. રમેશ તોરાની પર હત્યા માટે ભડકાવવાનો આરોપ હતો આ બાબતે તેઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

શું હતું સમગ્ર મામલો ?

મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીના જાણીતા સિંગર ગુલશન કુમારની ઓગસ્ટ 1997માં મુંબઇના અંધેરી વિસ્તારમાં આવેલા એક મંદિર બહાર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ગુલશન કુમાર મંદિરમાં પુજા કરવા માટે પહોંચ્યા હતા એ દરમિયાન જ હુમલાખોરોએ તાબડતોડ ફાયરિંગ કરી તેઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે અંડરવર્લ્ડ ડોન અબુ સલેમના ઇશારે તેમના માણસોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ગુલશન કુમારના પિતાની જ્યુસની દુકાન હતી પરંતુ ગુલશને મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની ખાસ ઓળખ બનાવી. તેઓએ ટીસીરિઝની સ્થાપના કરી જે સંગીત જગતની દેશની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. ભક્તિ સંગીતની કેસેટની મદદથી ગુલશન કુમારે સમગ્ર દેશમાં સગીતની દુનિયામાં ક્રાંતિ લાવવાનું કામ કર્યું. ટીસીરિઝે અનેક ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. ગુલશને અનેક સંગીતકાર જોડીઓને તક આપી જેઓ આજે બોલીવૂડમાં પોતાનું સ્થાન મેળવવામાં સફળ બન્યા છે.

Leave a Comment