ગોંડલ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિતોનું પલડું ભારે થયું

વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠક પર ભાજપ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં ભગવો માહોલ

ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 18 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે

ગોંડલના રાજકારણનું ટર્નિંગ પોઈન્ટ ગણાતા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં 16 બેઠક માટે ભાજપ પ્રેરિત 16 ઉમેદવારોએ દાવેદારી કરી હતી જ્યારે કોંગ્રેસે અપુરતા ઉમેદવારો વચ્ચે  માત્ર ખેડૂત વિભાગની દશ બેઠકો પૈકી નવ બેઠકો પર  દાવેદારી કરી હોય અને તેમાં પણ એક ફોર્મ ખેંચાઇ જતાં હવે 10 બેઠક ઉપર 18 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે જ્યારે

વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ સંઘની 3 બેઠક પર ભાજપ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ભગવો માહોલ છવાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી આગામી તારીખ 13 ના યોજાનાર છે ત્યારે અગાઉથી જ ભાજપ પ્રેરિત ઉમેદવારોનું પલડું ભારે થઈ જવા પામ્યુ છે, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને ખેડૂત વિભાગમાં થી કોંગ્રેસ પ્રેરિત પેનલના ભાલોડી અશ્વિનભાઈએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 18 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાનાર છે.

ભાજપ પ્રેરિત ઉમેદવારોમાં માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, અલ્પેશભાઈ ઢોલરીયા, જગદીશભાઈ સાટોડીયા, કુરજીભાઈ ભલાળા, કચરાભાઈ વૈષ્ણવ, ધીરજલાલ સોરઠીયા, વલ્લભ ભાઈ ડોબરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાગજીભાઈ પાંચાણી તેમજ મનીષભાઈ ગોળ ની ઉમેદવારી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા સહકારી અને વેપારી વિભાગમાં ઉમેદવારી કરવામાં ન આવી હોય મગનભાઈ ઘોણીયા, પ્રફુલભાઈ ટોળીયા સહકારી ખરીદ વેચાણ મંડળીઓ વિભાગ અને જીતેન્દ્રભાઈ જીવાણી, રસિકભાઈ પટોળીયા, હરેશભાઈ વડોદરિયા તેમજ રમેશભાઇ લાલચેતા વેપારી વિભાગની બેઠકમાં બિન હરીફ જાહેર થવા પામ્યા છે.

ખેડૂત વિભાગ માં  કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોમાં રાજેશભાઈ સખીયા, જીગ્નેશ ભાઈ ઉંઘાડ, ચંદ્રકાંતભાઈ ખુંટ, ભવાનભાઈ સાવલિયા, નિમેષભાઈ રૈયાણી, લક્ષ્મણભાઈ સાવલિયા, નિલેશભાઈ પટોળીયા અને હરેશભાઈ વોરા ખેડૂત વિભાગ માંથી ઉમેદવારી કરી છે

Leave a Comment