જામનગર: જી.જી.હોસ્પિટલમાં હિમોફેલીયાના વોર્ડમાં નર્સીગ સ્ટાફની અછત,દર્દીઓને મુશ્કેલી

જામનગરમાં હિમોફેલીયાની બીમારીથી અનેક લોકો સારવાર લઇ રહ્યા છે. ત્યારે સરકારી જી.જી. હોસ્પિટલમાંથી આ રોગની સારવાર માટે દવા અને ઇન્જેકશન મળી રહે તે જરૂરી હોય છે. ત્યારે જી.જી. હોસ્પિટલમાં જ થેલેસેમીયા વોર્ડની અંદર જ હિમોફેલીયાનો વોર્ડ કાર્યરત કરેલ છે.

પરંતુ આ વોર્ડમાં નર્સીગ સ્ટાફની અછત હોય જેનાથી દર્દીઓને ઇન્જેકશન અને સારવાર માટે ભારે મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે.જી.જી. હોસ્પિટલમાં થેલેસેમિયાના વોર્ડમાં જ હિમોફેલીયાના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. આ હિમોફેલીયાની બિમારીથી પીડાતા અંદાજે 60થી 65 દર્દીઓ સારવાર લેવા આવે છે. પરંતુ આ દર્દીઓની સારવાર માટે વોર્ડમાં ડોકટરની વ્યવસ્થા છે પરંતુ નર્સીગ સ્ટાફની વ્યવસ્થા થયેલ નથી જેથી નર્સીગ સ્ટાફની અછત હોવાથી દર્દીઓને સારવાર માટે થઇને મુશ્કેલી પડે છે.

મહત્વની વાત એ છે કે, હિમોફેલીયાના દર્દીઓની સારવાર માટે ખાનગી કંપની દ્વારા ડોકટરની ચેમ્બર્સ, કોમ્પ્યુટર તેમજ ઇન્જેકશન અને દવા રાખવા માટે ફ્રીઝ સાથે એસી ચેમ્બર બનાવી આપેલ છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, હિમોફેલીયાના વોર્ડમાં નર્સીગ સ્ટાફની અછત છે. આ નર્સીગ સ્ટાફની નિમણુંક કરવામાં આવે તેવી માંગ હિમોફેલીયાના દર્દીઓ કરી રહ્યા છે.

Leave a Comment