જે.આર.ડી. તાતાનું સ્વપ્ન “મહારાજા”ની ઘર વાપસી!!!

એર ઇન્ડિયાની બાગડોર સંભાળવા તાતા ગ્રુપ પ્રબળ દાવેદાર હોવાનું નિષ્ણાંતોનો મત

દેવામાં ડૂબેલી અને નુકસાનીનો સામનો કરી રહેલી એર ઇન્ડિયાનું ખાનગીકરણ સરકારના વિનિવેશ કાર્યક્રમનો એક ભાગ છે.  તેને ખરીદવા માટે રસ ધરાવતી કંપનીઓ પાસેથી નાણાકીય બિડ પ્રાપ્ત થઈ છે.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર આગામી કેટલાક સપ્તાહમાં તેની જાહેરાત પણ કરી શકે છે.  નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ તાજેતરના નિવેદનમાં જણાવ્યું હતું કે મંત્રાલય આ બિડનું મૂલ્યાંકન કરી રહ્યું છે.

અત્યાર સુધીના અહેવાલો મુજબ ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટ જેવી ઓછી બજેટની એરલાઇન્સ શરૂ કરનાર અજય સિંહ એર ઇન્ડિયા ખરીદવામાં મોખરે છે.  અજય સિંહે સ્પાઇસ જેટ સિવાય ખાનગી રીતે એર ઇન્ડિયા ખરીદવામાં રસ દાખવ્યો છે.  તે જ સમયે, ટાટા ગ્રુપ દેશમાં ૨ એરલાઇન્સ વિસ્તારા અને એર એશિયા ઇન્ડિયાનું સંચાલન કરી રહ્યું છે.

એર ઇન્ડિયાના ખાનગીકરણ માટે સરકારે જારી કરેલા લેટર ઓફ ઇન્ટરેસ્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે, એર ઇન્ડિયા માટે સૌથી વધુ બોલી લગાવનારને આ સરકારી એરલાઇન મળશે.  પરંતુ જો સૂત્રોનું માનીએ તો એર ઇન્ડિયા માટે નવા માલિકની પસંદગી કરતા પહેલા સરકાર તે કંપનીની આર્થિક સ્થિતિ પર પણ ધ્યાન આપશે. હવે જો આપણે આર્થિક સ્થિતિ પર નજર કરીએ તો ટાટા ગ્રુપની બંને એરલાઇન્સ ભારે ખોટમાં છે.  આ હોવા છતાં, તેની પિતૃ કંપની પાસે ઘણા પૈસા છે.  ટાટા ગ્રુપની તમામ કંપનીઓની એકીકૃત આવક ૭.૫ લાખ કરોડ રૂપિયા છે. ઉપરાંત એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપનો સબંધ ખૂબ જૂનો છે. જે.આર.ડી. ટાટાએ એર ઇન્ડિયાના સંચાલનનું સ્વપ્ન જોયું હતું.

વર્ષ ૧૯૫૨માં જ્યારે પ્રથમવાર એર ઇન્ડિયાએ ઉડાન ભરી હતી ત્યારે દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા અને ટાટા ગ્રુપે આ ઉડાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જે બાદ જે.આર.ડી. તાતાએ સરકારને પત્ર

લખી એર ઇન્ડિયાનું સંચાલન તાતા ગ્રુપને સોંપવામાં આવે તેવી માંગ મૂકી હતી પરંતુ સરકારે એકાએક જ એર ઇન્ડિયામાં ચેરમેનની નિમણુંક કરી જે.આર.ડી. તાતાની વાત પર પૂર્ણ વિરામ મૂકી દીધો હતો. જે બાદ હાલ સુધી એર ઇન્ડિયાનું સંચાલન સરકાર કરી રહી છે. હવે ભારે નુકસાની બાદ સરકાર જ્યારે એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવા નીકળી છે ત્યારે તાતા ગ્રુપ આ રેસમાં સૌથી અગ્રેસર હોવાનું મનાઈ રહ્યું છે. એર ઇન્ડિયાની બાગડોર તાતા ગ્રુપને સોંપવામાં આવે તો ખરા અર્થમાં ‘મહારાજા’ની ઘર વાપસી થઈ ગણાય.

બીજી બાજુ સ્પાઈસ જેટના અજય સિંહની આર્થિક સ્થિતિ જોઈએ તો તેમની સૌથી મોટી કંપની સ્પાઈસજેટને ભારે નુકસાન થઈ રહ્યું છે.  જૂન ૨૦૨૧ સુધીના ડેટા અનુસાર સ્પાઈસ જેટની નેટવર્થ ૩૨૯૮ કરોડ રૂપિયા નેગેટિવ છે. છેલ્લા ૩ નાણાકીય વર્ષોથી કંપની ખોટમાં છે.

ટાટાની તરફેણમાં માર્ટીન કન્સલ્ટિંગના સીઈઓ માર્ક ડી માર્ટિન એક વાત કહે છે કે, ટાટા જૂની કંપનીઓને અગાઉથી પુન:પ્રાપ્ત કરવામાં સફળ રહી છે.  ટિસ્કો હોય કે ટાટા સ્ટીલ, ટાટાએ આ બંને જૂની કંપનીઓને આધુનિક, કાર્યક્ષમ અને બજારલક્ષી કંપનીઓમાં રૂપાંતરિત કરી છે.  એટલું જ નહીં જો આપણે છેલ્લા ૨૫ વર્ષમાં ટાટાની રોકાણની પેટર્ન અને નાણાકીય સ્થિરતા પર નજર કરીએ તો એર ઈન્ડિયાને યોગ્ય માર્ગ પર મૂકવાની સારી તકો તાતા ગ્રુપમાં રહેલી છે.

જો આપણે એર ઈન્ડિયાના ઈતિહાસની વાત કરીએ તો તે વાસ્તવમાં ટાટાની કંપની હતી.  ટાટા ગ્રુપે ૧૯૩૨ માં ટાટા એરલાઇન્સ શરૂ કરી હતી.  બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે ભારતમાં સામાન્ય હવાઈ સેવા શરૂ થઈ ત્યારે તેનું નામ એર ઈન્ડિયા થઈ ગયું અને ૧૯૫૩ માં દેશની આઝાદી પછી સરકારે તેનું રાષ્ટ્રીયકરણ કર્યું, એર ઈન્ડિયાને સરકારી કંપની બનાવી.  આવી સ્થિતિમાં ટાટા ગ્રુપનો એર ઈન્ડિયા સાથે ભાવનાત્મક સંબંધ પણ છે.

Leave a Comment