ટંકારાના નસીતપર ગામનો 20 વર્ષનો યુવાન વાયુસેનામાં જોડાયો: લખનૌ ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું

કૃપાલ કણસાગરાએ એરફોર્સ તાલીમના અધરા પડાવો પાર કરી ટંકારા તાલુકામાંથી વાયુસેનામા જોડાનાર પ્રથમ યુવાન બન્યો

ટંકારા સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ ટંકારામાં દેશભક્તિનો અનેરો જશ્ન જોવા મળ્યો, ટંકારા તાલુકાના નાના એવા નસીતપર ગામના ખેડૂત પુત્રની વાયુસેનામાં પસંદગી થયા બાદ ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા કુટુંબીજનો અને ગ્રામજનોએ અદકેરું સ્વાગત કરી સમગ્ર તાલુકામાંથી એરફોર્સમાં જોડાનાર પ્રથમ યુવાન  એરક્રાફ્ટ કૃપાલનું જોરશોરથી સ્વાગત કર્યું હતું.

પિતાની દેશ સેવા કરવા માટેની અધૂરી ઈચ્છાને પુત્રએ એરફોર્સમાં જોડાઈને પૂર્ણ કરી બતાવી છે. ટંકારા તાલુકાના નાના એવા નશિતપર ગામના ખેડુત સ્વ. સુંદરજીભાઈના પુત્ર પ્રકાશભાઈ ટંકારા જીનીગ ક્ષેત્રે કાંડાના બળે આગળ વધી પુત્રના અભ્યાસ માટે રાજકોટ ગયા હતા. તેમના પુત્ર કૃપાલે ધોરણ 9માં અભ્યાસ દરમિયાન જ નિર્ધાર કર્યો કે ડિફેન્સ ફોર્સ જોઈન કરવી છે તા.20-7-2001નાં રોજ જન્મેલા કૃપાલે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં વાયુસેનાની ભરતી આવી જેમા વડોદરા પ્રથમ વખત પરીક્ષા આપી અને પાસ કરી ત્યારબાદ ફિઝિકલ, ગ્રુપ ડિસ્કશન, એબિલિટી સહિતની કઠોર કસોટીમાથી પસાર થઈ 6 મહિનાની ટ્રેનિંગ પુર્ણ કરી પ્રથમ પ્રયાસમાં એરમેન બની બતાવ્યુ છે.

ભારતીય વાયુસેનાની ભરતી માટે આખા દેશમાં એક સાથે પરીક્ષા લેવામાં આવે છે અને ધોરણ 12 માં 80% ઉપર માર્ક વાળા વિદ્યાર્થીઓ જ આ પરીક્ષા આપી શકે છે. જેમા ટંકારા તાલુકામાંથી (એરક્રાફ્ટ) કૃપાલ કણસાગરા નામનો યુવાન સમગ્ર ટંકારા તાલુકામાંથી વાયુસેનામા જનાર પ્રથમ બન્યો છે જે ગૌરવ ની વાત છે. એરફોર્સના દેશમાં 3 ટ્રેનિંગ સેન્ટર છે, જેમા બેલગામ, આવડી અને નલિયા જેમા નલિયા ઉપરોક્ત બન્ને સેન્ટરથી વધુ એક ઈજઝઈ ટ્રેનિંગ આપવામાં આવે છે. જ્યા કૃપાલે બધી કઠિન કસોટી પાર કરી આકાશમાં ઊડવાની ઈચ્છા પુર્ણ કરી દેશ સેવા કાજે ઉડાન ભરી છે. ટ્રેનિંગ પુરી કરી માદરે વતન ટંકારા પરત ફરેલા કૃપાલ કણસાગરાનું સરદારનગર સોસાયટી ખાતે શહેરીજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરી ગૌરવ અનુભવી ઉત્સવ ઉજવ્યો હતો.

Leave a Comment