તહેવારો નજીક આવતા ખાંડ બની “કડવી”: હજુ ભાવ વધશે..?  

સાત-આઠમના તહેવાર પૂર્વે જ ખાદ્યતેલ બાદ ખાંડના ભાવોમાં પણ વધારો થતા મોંઘવારીના ચક્રોમાં પીસાતા લોકોને વધુ એક મોંઘવારીનો ડામ લાગ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ખાંડનો કવોટા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ખાંડના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત મહિને સરકાર દ્વારા ખાંડનો ભાવ જાહેર કરાયા બાદ 100 કિલોના ભાવમાં 150થી 200 રૂપિયા એટલે કે 1 કિલો ખાંડે દોઢથી બે રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે.

હોલસેલ ખાંડના ભાવ એક ક્વિન્ટલના રૂા.2400 હતા તે વધીને રૂા.3550 થઇ ગયો છે. જયારે ખાંડ-સી નો કિવન્ટલ ભાવ રૂા.3550 હતો તે વધીને રૂા.3750 સુધી પહોંચી ગયો છે. આમ એક કિલો ખાંડનો ભાવ રૂા.37થી લઇને 37.50 પૈસા હતો તે વધીને રૂા.39 થી 40એ પહોંચ્યો છે. વેપારીઓ પાસેથી મળતી માહિતી મુજબ સરકાર દ્વારા ખાંડનો કવોટા પણ ઓછો જાહેર થતા જ ખાંડનો ભાવ વધ્યો છે.

ખાંડનો ઓછો કવોટા આવતા જ ખાંડની ડિમાન્ડ ઉંચકાઇ છે. કારણ કે, લોકડાઉન પછી હોટલો સહિતના ઉદ્યોગોમાં ખાંડની માંગ વધી છે. શ્રાવણ માસના સાતમ-આઠક સહિતના તહેવારોમાં ખાંડની વધુ માંગના કારણે પણ ખાંડના ભાવો વધ્યા છે અને આવનારા સમયમાં હજુ પણ ખાંડના ભાવો વધે તેવી શકયતા વેપારીઓ જોઇ રહ્યા છે. આમ જોઇએ તો જીવન જરૂરીયાતની ચીજવસ્તુના ભાવ ભળકે બળતા મોંઘવારી કયા જઇને અટકશે તે સવાલ ગરીબ અને મધ્યમ વર્ગ સહિતા લોકો પુછી રહ્યા છે.

Leave a Comment