દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી હોસ્પિટલના પોણા બે કરોડના બીલ બાકી !

મોરબી જિલ્લાને પાંચ કરોડ અપાયા તો શું દ્વારકામાં નેતા નબળા પડે છે?

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી હોસ્પિટલનાં અગાઉના પોણાબે કરોડના બાકી બીલની હજુ સુધી ભરપાઈ થઈ નથી. ત્યારે આ નાણાનો પ્રશ્ર્ન હલ થાય તેવું સામાન્ય લોકો ઈચ્છી રહ્યા છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલો હાઉસફૂલ થઈ જતા ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 170 બેડની વ્યવસ્થા કરાઈ હતી. તથા દ્વારકા, જામનગર જ નહી પણ રાજકોટ, જૂનાગઢ, પોરબંદરથી દર્દીઓ અહીં સારવાર માટે આવતા હતા.

જેમાં કરોડોનો ખર્ચ થયો હતો. તથા એક તબકકે કોરોના દર્દીઓને માટે ઉપયોગી એવી દવાઓ ખૂટી જતા સ્થાનિક કક્ષાએથી ખરીદી કરવી પડી હતી. ત્યારે કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ ગઈ છે. તથા મહિનાઓથી કોરોનાનો નવો દર્દી પણ આવ્યો નથી ત્યારે અગાઉના પોણા બે કરોડની બાકી રકમ હજુ રાજય સરકારે ના આપતા ત્રીજી લહેરની સંભાવના છે.

ત્યારે અગાઉની આવડી મોટી રકમ બાકી હોય જો ત્રીજી લહેર શરૂ થાય તો સાધનોનો અભાવ ઉભો થાય તો નવાઈ નહીં !! નવાઈની વાત તો એ છેકે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાએ તેના દોઢેક કરોડ બાકી હતા જેમાં નેતાઓએ કાગારોળ કરીને પાંચ કરોડની ગ્રાન્ટ મેળવી લીધી ત્યારે દ્વારકા જિલ્લામાં નેતા જાણે નબળા પડતા હોય તેમ અહી અગાઉના પણ પોણા બે કરોડ મળ્યા નથી, હવે જયારે દ્વારકાના પ્રભારી મંત્રી તરીકે નાણામંત્રી કનુભાઈ દેસાઈ મુકાયા છે. ત્યારે આ નાણાનો પ્રશ્ર્ન હલ થાય તેવું સામાન્ય લોકો ઈચ્છી રહ્યા છે.

Leave a Comment