ધૂમ બાઈકચાલકો સાવધાન : કડક પગલાં આવી રહ્યા છે

રાજકોટ ખાતે રોડ સેફટી કમિશનર લલિત પાડલીયાની ઉપસ્થિતિમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં સીટી રોડ સેફટી કમિટીની બેઠક યોજાઈ હતી.

રોડ સેફટી કમિશનરશ્રી દ્વારા બ્રીજ તેમજ રસ્તાના કામના સ્થળોએ વર્કઝોન ટ્રાફિક મેનેજમેન્ટનું આઈ.આર.સી.ની ગાઈડ લાઈન મુજબ પાલન કરવા સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી હતી. મોટા કામ થતા સ્થળોએ ડાઈવર્ઝનના કારણે ગંભીર અકસ્માતોનું પ્રમાણ વધી જતું હોય છે ત્યારે ટ્રાફિક નિયમન યોગ્ય રીતે થવું જરૂરી હોવાનું લલિતભાઈએ જણાવ્યું હતું. હિટ એન્ડ રન જેવા અકસ્માતો નિવારી શકાય તે માટે કામના સ્થળે કાર્યરત શ્રમિકોને યોગ્ય સ્થળે નિવાસ પૂરો પાડવા પણ સૂચના આપવામાં આવી હતી

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ તકે 30 જેટલા અકસ્માત સંભવિત સ્પોટ પર જરૂરી સાઈન બોર્ડ્સ, સ્પીડ બ્રેકર, એપ્રોચ રોડ અને હાઈવેને જોડતા જંક્સન પર રોડ લેવલીંગ સહિતના કામો ઝડપભેર પુરા કરવા હાઇવે ઓથોરિટી, આર,એન્ડ. બી. તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓને સૂચના આપી હતી.

સર્વે મુજબ સૌથી વધુ 24 % ગંભીર અકસ્માતો એક વાહન પાછળ બીજું વાહન પાછળથી અથડાવાના કારણે થાય છે. જે માટે ઓવર સ્પીડ, ખોટી રીતે ઓવર ટેક જેવા કારણો જવાબદાર હોય છે. ત્યારબાદ 21 % જેટલા અકસ્માતો હિટ એન્ડ રનને કારણે તેમજ 15 ટકા વાહન પાસેથી પસાર થતા બાજુમાં અથડાવાના કારણે અને માત્ર 10 થી 12 % અકસ્માત સામસામે વાહન અથડાવાના કારણે થાય છે. આ અંગે લોકોને યોગ્ય સમજ મળી રહે તે માટે જરૂરી સ્પોટ પર ડિજિટલ માધ્યમ થકી ટૂંકી ફિલ્મ પ્રદર્શિત કરવા રોડ સેફટી કમિશનર દ્વારા સૂચન કરાયું હતું.

મિટિંગમાં સાથે સાથે પોલીસ કમિશનરે શહેરમાં નંબર પ્લેટ વગરના વાહનો, ઉંચા અવાજ કરતા વાહનો, મ્યુઝિકલ હોર્ન ધરાવતા વાહનો તેમજ  સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી વધુ પેસેન્જર ભરતા રિક્ષા તેમજ અન્ય વાહનો વિરુદ્ધ સઘન ઝુંબેશ ચલાવવા ટ્રાફિક શાખાને ખાસ સૂચના આપી હતી.

રાજકોટ શહેરમાં આકાર પામી રહેલા બ્રીજ તેમજ ડાઇવર્ઝ્ન આસપાસ દબાણકર્તા ફેરિયાઓને દૂર કરવા દબાણ હટાવ શાખા દ્વારા નિયમિત ઝુંબેશ, ટ્રાફિક સંલગ્ન ટ્રાફિક સિગ્નલ નિયમન, રોડ પર પાર્કિંગ ઝોન ડિમાર્કેશન લાઈન, સિગ્નલ આસપાસ નડતર ઝાડની ડાળીઓ દૂર કરવા સહિતના મુદ્દે યોગ્ય કરવા પોલીસ કમિશનર દ્વારા સૂચના અપાઈ હતી.

Leave a Comment