પેટ્રોલ પંપ ડિલર્સોનું આંદોલન વધુ ઉગ્ર બનશે ગુરૂવારે કાળા વસ્ત્રો ધારણ કરી ઉપવાસ પર બેસશે

રાજ્યભરમાંથી પેટ્રોલ પંપના માલીકોને ગુરૂવારે અમદાવાદ ઉમટી પડવા હાંકલ

પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પર ઓઇલ કંપનીઓ દ્વારા અપાતા માર્જીનમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઇ જ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હોય ગુજરાતમાં પેટ્રોલ ડિલર્સો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ગત ગુરૂવારે પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખરીદવામાં આવ્યો ન હતો અને નો પરચેજ આંદોલનનો આરંભ કરવામાં આવ્યો હતો. બપોરે એક કલાક સીએનજીનું વેંચાણ પણ બંધ રાખવામાં આવ્યું હતું. દરમિયાન આગામી ગુરૂવારે રાજ્યભરના પેટ્રોલ પંપના માલીકો અમદાવાદમાં કાળો ટેન્ટ નાંખી કાળા વસ્ત્રો ધારણ કરી એક દિવસના ઉપવાસ પર બેસી જશે. છતા જો ઓઇલ કંપનીઓની આંખ નહીં ઉઘડે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન આપવામાં આવશે.

ઓઇલ કંપનીઓ દ્વારા વર્ષે-2018 બાદ માર્જીનમાં કોઇ જ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. પેટ્રોલ પર લીટરદીઠ અપાતુ માર્જીન 3 રૂપિયાથી વધારી રૂા.6 કરવા, ડીઝલ પરનું માર્જીન લીટરદીઠ રૂા.2થી વધારીને રૂા.4 કરવા અને સીએનજીમાં અપાતુ માર્જીન રૂા.1.50થી વધારી રૂા.3 કરવાની માંગણી સાથે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડિલર્સ એસોસિએશન દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

ગત ગુરૂવારનો પરચેજ આંદોલન અંતર્ગત એક દિવસ માટે માલ ઉપાડવામાં આવ્યો ન હતો જો કે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે સ્ટોકમાંથી વેંચાણ ચાલુ રાખવામાં આવ્યું હતું. બપોરે 1 થી 2 એમ એક કલાક સીએનજીનું વેંચાણ બંધ રાખવામાં આવ્યું હતું. આ આંદોલન સફળ રહ્યું હતું. જેમાં રાજ્યના ચાર હજારથી વધુ પેટ્રોલ પંપના સંચાલકો જોડાયા હતાં.

દરમિયાન આગામી 19મી ઓગષ્ટ અર્થાત ગુરૂવારે પણ પેટ્રોલ પંપના ડિલર્સોનું “નો પરચેઝ” આંદોલન ચાલુ રહેશે આટલુ જ નહીં આ આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે કમિટિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ગુરૂવારે અમદાવાદ ખાતે ઉપવાસ પર બેસી જશે. દરેક જિલ્લામાંથી 2 થી 3 લોકો ઉપવાસ પર બેસશે.  ઉપવાસ પર બેસનાર વ્યક્તિ કાળાવસ્ત્રો ધારણ કરી આંદોલનને વેગ આપશે આટલું જ નહીં ટેન્ટ પણ કાળા કલરનો જ બનાવવામાં આવશે.

ઓઇલ કંપનીઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 60 હજાર કરોડથી પણ વધુનો નફો રહ્યો છે. છતાં ડિલર્સોના માર્જીનમાં કોઇ જ પ્રકારનો વધારો કર્યો નથી. સતત ખર્ચ વધી રહ્યાં છે. જેની સામે માર્જીન વધતું નથી. જેથી ઓઇલ કંપનીઓ સામે ડિલર્સોેએ આંદોલનનું ઉગ્ર ઉગામ્યુ છે.

Leave a Comment