પ્રદુષણને લઈ મોરબીના સીરામીક ઉદ્યોગોને તાત્કાલિક દંડના રૂ. ૧૨૫ કરોડ ચૂકવવા હાઇકોર્ટનું ફરમાન

કોલગેસના વપરાશ મામલે પ્રદુષણ બોર્ડ ફટકારેલા રૂ. ૫૦૦ કરોડના દંડ સામે ૨૫% રકમ જમા કરવા આદેશ અપાયો

મોરબી સીરામીક ઉદ્યોગની જાણે માઠી દશા બેઠી હોય તેમ મંદીની સ્થિતિ વચ્ચે હાઇકોર્ટે જોરદાર ઝટકો આપ્યો છે. મોરબીના ઉદ્યોગકારોને કોલગેસ ચલાવવા મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ અન્વયે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા ફટકારવામાં આવેલા રૂપિયા 500 કરોડના દંડ પ્રકરણની સુનાવણી પૂર્વે હાઇકોર્ટ દ્વારા દંડની 25 ટકા રકમ ભરી આપવા ઓર્ડર કરતા સિરામીક ઉદ્યોગપતિઓની રાડ ફાટી ગઈ છે અને હવે આ મામલે સુપ્રિમકોર્ટમાં જંગ લડવા તૈયારી શરૂ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સિરામીક એકમો દ્વારા ઇંધણ માટે કોલગેસ પ્લાન્ટ લગાવવામાં આવ્યા હતા. આ કોલગેસ પ્લાન્ટથી પર્યાવરણને થતા નુકશાન અંગે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સમક્ષ ફરિયાદો થતા લાંબી તપાસને અંતે એનજીટી દ્વારા કોલગેસ પ્લાન્ટ બંધ કરવા આદેશ આપી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીને કોલગેસ પ્લાન્ટ ચલાવતા તમામ એકમોને દંડ ફટકારવા આદેશ કરતા જીપીસીબીએ ઇન્ટ્રીમ ઓર્ડર કરી 350 જેટલા સિરામીક એકમોને રૂપિયા 500 કરોડનો દંડ ફટકાર્યો હતો.

બીજી તરફ મોરબીના સિરામીક ઉદ્યોગકારો દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ફટકારવામાં આવેલા આકરા દંડને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવતા નામદાર ગુજરાત હાઈકોર્ટે આ કેસની સુનાવણી હાથ ધરી હતી અને સિરામીક ઉદ્યોગકારોને આ કેસ આગળ ચલાવતા પૂર્વે દંડની 25 ટકા રકમ એટલે કે 125 કરોડ રૂપિયા જમા કરાવવા આદેશ કરતા આ મંદીના સમયમાં ઉદ્યોગકારો આટલી મોટી રકમ જમા કરાવવા પ્રશ્ને વિમાસણમાં મુકાઈ ગયા છે.

નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશ સંદર્ભે મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા સામે હવે સુપ્રીમકોર્ટ સમક્ષ અરજી કરવામાં આવશે.

આમ, એક તરફ સ્થાનિક અમે ડોમેસ્ટિક માર્કેટમાં માંગમાં ઘટાડો, નેચરલ ગેસના ભાવમાં વધારો, રો મટિરિયલના ભાવ વધારા સહિતના પ્રશ્નોને લઇ અનેક સિરામીક ફેકટરીઓમાં શટડાઉન છે તેવા સમયે જ નામદાર ગુજરાત હાઇકોર્ટના આકરા આદેશને પગલે સિરામીક ઉદ્યોગ માથે વધુ એક ઉપાધિ આવી પડી છે.

Leave a Comment