ભાજપના બધા કામ “ચોખ્ખા ચટ”, કોઈ કામમાં કૌભાંડ નહીં ? વાંચો શું કહ્યું રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરે

ભાજપે સતા સંભળ્યા પછી પ્રશ્નોતરી સાથેની પ્રથમ સભા મળી : 46થી વધુ પ્રશ્નોનો મારો ચાલ્યો, ગ્રાન્ટ અને સિંચાઈના પ્રશ્નો ગાજયા

અબતક, રાજકોટ : રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી. ભાજપે સતા સંભળ્યા પછી પ્રશ્નોતરીની ચર્ચા સાથેની આ પ્રથમ સભા હતી. જેમાં શાસક અને વિપક્ષના સભ્યોએ મળીને કુલ 46થી વધુ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.

આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે સવારે 11:30 કલાકે સામાન્ય સભા મળી હતી. જેમાં અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર અને ડીડીઓ દેવ ચૌધરીની ઉપસ્થિતિ રહી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત હસ્તકના જે રોડ બનાવવામાં આવે છે. તેના નિયમોમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી. રોડની જાડાઇ પહેલા જેટલી જ રાખવામાં આવે છે. પણ રોડ ઉપર વાહનોનું ભારણ વધી ગયું હોય પરિણામે રોડ તુરંત તૂટી જાય છે. તો આ રોડ બનાવવામાં નિયમમાં ફેરફાર થાય તેવી રજુઆત થઈ હતી.

આ બેઠકમાં બાંકડા, સીસી રોડ સહિતના અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. વધુમાં સિંચાઈ વિભાગની કામગીરી ઉપર પણ સભ્યોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં સિંચાઈ વિભાગમાં સ્ટાફની અછત હોવાની પણ ફરિયાદ થઈ હતી. સાથે ગ્રાન્ટના અભાવે કામ ન થતા હોવાની પણ રાવ થઈ હતી. એક સભ્યએ કામમાં ગોટાળાની પણ રાવ કરી હતી. બીજી બાજુ જિલ્લા પંચાયત પ્રમુખે નિવેદનમાં જણાવ્યું હતું કે કામમાં કોઈ કૌભાંડ થતા નથી. બધી કામગીરીની ચકાસણી કરવામાં આવે જ છે. તેઓએ ઉમેર્યું હતું કે ડેમોની કામગીરી ઉપર વિશેષ ધ્યાન મુકવામાં આવશે. ઉપરાંત પાણીની અછત પણ ધ્યાને લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે નવી ટર્મમાં પ્રશ્નોતરી સાથેની આ પ્રથમ સામાન્ય સભા હોવાથી તે મહત્વની બની રહી હતી. શાસક-વિપક્ષ સહિતના અર્ધોડઝનથી વધુ સભ્યોએ 46 પ્રશ્નો મુકયા હતા.

Leave a Comment