ભાજપ “આપ” બળે વિધાનસભામાં 150+ બેઠકો જીતશે?

“આપ” મુજે અચ્છે લગને લગે, સપને સજને લગે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં “આપ” કારણે જ ભાજપને મળી ઐતિહાસિક જીત: જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી ચૂંટણી લડી હોત તો વેર વિખેર થઈ જાત કમળની પાંખડીઓ

ગુજરાતમાં “આપ” આગમન ભાજપને અંદર ખાને રાજીના રેડ કરી રહ્યું છે: સ્વબળે 150+નું સપનું સાકાર નહીં થાય તો “આપ” બળે થશે

“આપ મુજે અચ્છે લગને લગે મેરે સપને સજને લગે” હિન્દી ગીતની આ પંક્તિ આજે વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપ માટે ગુજરાતમાં સાર્થક થવા જઈ રહી છે. ખામ થીયરીના આધારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠક જીતવાનો રેકોર્ડ તોડવા ભાજપ તનતોડ મહેનત કરી રહ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પણ આ સપનું સાકાર ન થતા હવે આ લક્ષ્યાંક પક્ષ માટે જાણે ઝાંઝવાના જળ સમાન બની ગયા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હવે જાણે ભાજપનું આ સપનું સાકાર થવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ “આપ બળે” ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં 150+ બેઠકો જીતવાનું સપનું સાકાર કરશે. ગુજરાતમાં આપનું આગમન ભાજપને અંદર ખાને રાજીના રેડ કરી રહ્યું છે અને પક્ષનું વર્ષો જૂનું સ્વપ્ન પણ સાકાર થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત માત્રને માત્ર આમ આદમી પાર્ટીને આભારી છે. તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. કારણ કે, જો આપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડ્યું હોત તો કમળની પાંખડી કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહના ગઢમાં જ વેરવિખેર થઈ જાત. ગાંધીનગર મહાપાલિકાનાં 11 વોર્ડ પૈકી સાત વોર્ડ એવા છે કે, જેમાં સાત વોર્ડમાં ભાજપનો વોટ શેર કોંગ્રેસ અને આપ કરતા પણ ઓછો છે. આપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડ્યું હોત તો ભાજપ સીંગલ ડિઝીટમાં સમેટાઈ જાત અને ગાંધીનગરમાં ફરી પંજાનો ઉદય થયો હોત.

વોર્ડ નં.2માં ભાજપને 47 ટકા વોટ મળ્યા છે જેની સામે કોંગ્રેસ અને આપનો વોટશેર 51 ટકા જેવો થાય છે. વોર્ડ નં.3માં ભાજપનો વોટ શેર 39.45 ટકા છે. જેની સામે કોંગ્રેસ અને આપને 58 ટકાથી પણ વધુ મતો મળ્યા છે. વોર્ડ નં.4માં ભાજપને 42 ટકા મતો મળ્યા છે. સામાપક્ષે કોંગ્રેસ અને આપને 54 ટકા મતો મળ્યા છે. વોર્ડ નં.6 ભાજપને 36.58 ટકા મતો પ્રાપ્ત થયા છે. જેની સામે કોંગ્રેસ અને આપને 60 ટકા જેટલા મતો મળ્યા છે. વોર્ડ નં.7માં પણ કંઈક આવી  જ સ્થિતિનું નિર્માણ થયું છે. ભાજપને 47 ટકા વોટ મળ્યા છે તો કોંગ્રેસ અને આપને 51 ટકા મત પ્રાપ્ત થયા છે. વોર્ડ નં.9માં ભાજપને 48 ટકા મતો મળ્યા છે. સાથે કોંગ્રેસ અને આપને 50 ટકાથી વધુ મતો પ્રાપ્ત થયા છે. જ્યારે વોર્ડ નં.11માં ભાજપનો વોટ શેર 44 ટકા છે અને કોંગ્રેસ અને આપનો વોટ શેર 54 ટકા છે.

માત્ર “આપ” બળે જ ભાજપ ગાંધીનગરમાં ઐતિહાસિક જીત હાંસલ કરી શક્યું છે. કેટલાંક કોંગી નેતાઓ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ કહી રહ્યું છે. ખરેખર કાંગ્રેસ પાસે હજી પર્યાપ્ત સમય છે. જો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વ “આપ” સાથે ભાઈબંધી કરી લ્યે તો વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપને બરાબરની ટક્કર આપી શકે તેમ છે.

“આપ” ગુજરાતમાં આગમન ભાજપને અંદરખાને રાજીના રેડ કરી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો હાંસલ કરવાનું સપનું ભાજપ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પણ સાકાર થઈ શક્યુ નથી. હવે આ સપનું “આપ” બળે સાકાર થાય તેવા ઉજળા સંજોગો દેખાય રહ્યાં છે. માત્ર ગાંધીનગર મહાપાલિકા નહી પરંતુ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીમાં પરિણામોમાં કેટલીક બેઠકો 52 કોંગ્રેસના ઉમેદવારોની હારનું કારણ “આપ” રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીતવાનું માધવસિંહ સોલંકીનું સપનું ભાજપ “આપ” બળે સિધ્ધ કરે તેવું હાલ લાગી રહ્યું છે. બીજી તરફ ગુજરાતની જનતાએ ત્રીજા મોરચાને ક્યારેય સ્વીકાર્યો નથી પરંતુ આપનું ધીમી પરંતુ મક્કમ ગતિએ થઈ રહેલું આગમન આગામી દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં એક નવા અધ્યાયનો આરંભ સમાન મનાઈ રહ્યો છે.

Leave a Comment