ભારતના વિકાસ અને સમૃઘ્ધિમાં સહભાગી થઈએ : કેતન ઠકકર

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેશના 75 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી રાજકોટ સ્થિત ચૌધરી હાઇસ્કુલ ખાતે કરવામાં આવી હતી. અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કરે દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી. અને પરેડનું નિરિક્ષણ કર્યુ હતું.

આ પ્રસંગે 75 માં સ્વાતંત્ર્ય પર્વે સૌ નાગરીકોને અખંડ ભારતના વિકાસ અને સમૃધ્ધિમાં સહભાગી થવા અનુરોધ કરતાં અધિક નિવાસી કલેકટરશ્રી કેતન ઠક્કરએ 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવી હતી તેમજ દેશની આઝાદીના લડવૈયાઓ-ઘડવૈયાઓ તથા શહીદોને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોને અનુરોધ કરતાં  કેતન ઠક્કરએ ઉમેર્યું હતું કે આજે આપણા ભારત દેશનો 75મો સ્વાતંત્ર્ય દિવસ છે. 1947ના આ જ દિવસે આપણા ભારત દેશે સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું હતું. તેનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ પવિત્ર દિવસ છે.

તેમણે લોકોની મુશ્કેલી દુર કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા સરકાર અને વહીવટી તંત્રએ છેવાડાના માનવીને સુધી પહોંચીને તેમને ઘરઆંગણે તેઓના હક્કો ઉપલબ્ધ કરાવવા માટે 9 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમ જણાવી રાજકોટમાં કાર્યરત એઈમ્સ હોસ્પિટલ, હિરાસર એરપોર્ટ, ઈશ્વરીયા પાર્ક, સાયન્સ મ્યુઝિયમ જેવા મહત્વના પ્રાજેકટોની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે રાજકોટના કોરોના સામેના જંગમાં કોરોનાની બીજી લહેર સમયે કોરોના વોરીયર્સ એવા 35 વ્યક્તિ વિશેષોનું સન્માન કરાયું હતું. ત્યારબાદ નિવાસી અધિક કલેકટર  કેતન ઠક્કર અને મહાનુભાવોના હસ્તે ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલ પરેડમાં પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો તથા એન.સી.સી.ના જવાનોએ ભાગ લીધો હતો. તેમજ રાજકોટની વિવિધ સ્કુલના બાળકોએ દેશભક્તિ ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા.

આ પ્રસંગે પ્રાંત અધિકારી (રાજકોટ શહેર-1)  સિધ્ધાર્થ ગઢવી, મામલતદાર  વી. એલ. ભગોરા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓ, વિવિધ સ્કુલોના બાળકો તથા મોટી સંખ્યામાં શહેરીજનો આઝાદીના પર્વમાં સામેલ થયા હતા.

Leave a Comment