રાજકોટના લોધીકામાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ: ખેડૂતોના જીવમાં જીવ આવ્યો

મોરબીના પાનેલીમાં બે યુવાન વોંકળામાં તણાતા રેસ્કયુ કરાયું: પાનેલી નજીક વીજળી પડતા બકરીનું મોત, આધેડને ઈજા: ઓઝત, સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપુર

સોરઠમાં પણ મેઘમહેર: માણાવદરમાં 5 અને જૂનાગઢ-વંથલીમાં 4-4 ઈંચ વરસાદ: વરસાદને પગલે ગીરનારના પગથીયે નદીઓ વહેતી થઈ

સતત બીજા દિવસે રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ઓળધોળ બની વરસ્યો હતો અને 1 થી 10 ઈંચ જેટલું પાણી પડી ગયું હતું. રાજકોટના ધોરાજીમાં 4 ઈંચ, ટંકારામાં 3, ગોંડલમાં 2, કોટડા સાંગાણીમાં 3, ઉપલેટામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે જામજોધપુર તાલુકામાં નરમાણા ગામે આભ ફાટતા 3 કલાકમાં 10 ઈંચ વરસાદ પડ્યો હતો. જિલ્લાના ગોંડલમાં સતત બીજા દિવસે ધોધમાર 2 ઈંચ વરસાદ પડ્યો હતો. ધોરાજીમાં 4 ઈંચ વરસાદે હેત વરસાવી વિરામ લીધો હતો. પંથકના મોટી મારડ, પાટણવાવ, સુપેડીના ચેકડેમ ઓવરફલો થયા હતા જ્યારે ગોંડલ તાલુકાનો મોતીસર ડેમ ઓવરફલો થતાં નિચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોને સાવચેત રહેવા સુચના અપાઈ હતી.

પાનેલી નજીક વીજળી પડતા 1 બકરીનું મોત નિપજયું હતું. જ્યારે આધેડ કાનાભાઈ વાઘેલાને ઈજા થઈ હતી.  ઉપલેટામાં અઢીથી 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઓસમ પર્વત પર ચારેબાજુથી વરસાદી પાણીના ધોધ ચાલુ થઈ ગયા હતા. કોટડા સાંગાણી શહેરમાં સાડા ત્રણ ઈંચ તેમજ પંથકના રાજપરા, સોડીયા, માણેકવાડા, મોટા માંડવા, રામોદ, અરડોઈ, ખરેડા, સતાપર સહિતના ગામડાઓમાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી હતી. જસદણ પંથકમાં વરસાદ વરસ્તા ભાદર-1માં પાણીની આવક થતાં સપાટી 17.45 ફૂટે પહોંચી હતી. જ્યારે જામનગર શહેરમાં પણ ધીમીધારે દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

સોરઠમાં પણ સર્વત્ર મેઘમહેર જોવા મળી હતી. માણાવદર પંથકમાં 24 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જૂનાગઢ શહેર અને વંથલી, વડાલમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. કેશોદ, મેંદરડામાં અઢી ઈંચ વરસાદ જ્યારે માંગરોળ અને માળીયામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

મોરબી તાલુકાના પાનેલી અને ગીડચ ગામે વોકળામાં બે કાંઠે પાણી વહેતુ થયું હતું. રવિવારે પણ ઉપરવાસમાં વધુ વરસાદના કારણે મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. આ દરમિયાન વાંકાનેરના ઓળ ગામે રહેતા બે યુવાનોને પાનેલીનો વોકળો પાર કરવા જઈ બન્ને ડુબવા લાગ્યા હતા જો કે બંનેને બચાવી લેવામાં આવ્યા હતા. ઉના-વેરાવળ રોડ પર શિલોજ ગામ નજીક તળાવમાં બપોરે ભોપાભાઈ ગડચર (ઉ.60), તેના પુત્ર પુત્રો તેને બચાવવા જતાં ત્રણેયના કરૂણ મોત નિપજયા હતા.

છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સાર્વત્રીક મેઘમહેર જોવા મળી હતી. ઘણા સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં હતા ત્યારે સાર્વત્રીક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે અને હજુ આગામી ચાર થી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રીક મેઘમહેરની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રીક વરસાદ વરસ્યો છે ત્યારે જામકંડોરણા અને વિંછીયામાં 1 થી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જો કે, બન્ને તાલુકામાં દોઢ ઈંચ વરસાદથી જ સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્તા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકો ખુશ-ખુશાલ થઈ ગયા હતા.

જસદણ-જેતપુરમાં છુટોછવાયો વરસાદ

જસદણ-જેતપુરની વાત કરીએ તો માત્ર છુટો છવાયો વરસાદ થયો હતો. રાજકોટમાં સૌથી ઓછો વરસાદ જસદણ અને જેતપુર તાલુકામાં નોંધાયો હતો. જસદણમાં 24 કલાકમાં 14 મીમી અને જેતપુરમાં 24 કલાકમાં 12 મીમી વરસાદ નોંધાયો હતો. સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો જસદણમાં 174 મીમી જ્યારે જેતપુરમાં 174 મીમી વરસાદ જ નોંધાયો છે.

લોધીકામાં 8 ઈંચ વરસાદથી ફોફળ નદીમાં પુર

રાજકોટ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોધીકા તાલુકામાં એક જ દિવસમાં 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેને કારણે ફોફળ નદીમાં પાણીની આવક થવા પામી હતી અને નદીમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. ફોફળ નદીમાં પાણીની આવકના કારણે લોધીકાથી કોઠા પીપળીયા અને લોધીકાથી ચાંદલી ગામનો રસ્તો હાલમાં બંધ કરવામાં આવ્યો હતો. લોધીકા શહેરમાં સવારથી જ મેઘરાજાએ સટાસટી બોલાવતા સાંબેલાધાર વરસાદ પડ્યો હતો અને શહેર પાણી-પાણી થઈ ગયું હતું.

પડધરીમાં દોઢથી બે ઈંચ વરસાદ

રાજકોટ જિલ્લામાં સાર્વત્રીક વરસાદ નોંધાયો છે ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજકોટના પડધરી તાલુકામાં પણ સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો હતો અને આજે સવાર સુધીમાં લગભગ દોઢથી બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અત્યાર સુધીમાં પડધરીમાં કુલ 100થી વધુ વરસાદ નોંધાયો છે. પડધરીમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્તા હવે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે ત્યારે ખેડૂતોમાં ભારે વરસાદથી ખુશીની લાગણી ફેલાઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ પડધરીમાં હજુ વરસાદ આવે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

ઉપલેટાના વેણુ-2 ડેમમાં ભારે વરસાદથી નવા નીર આવક

ઉપલેટા અને આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં એકધારો 5 ઈંચ વરસાદ વરસ્તા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. આ ઉપરાંત ભાયાવદર અને કોલકીમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. મેરવદર, ત્રણસવામાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. ઉપલેટાથી ઉપરવાસના વિસ્તારમાં સારો વરસાદ થતાં વેણુ-2 ડેમમાં નવા નીર આવ્યા હતા.

ધોરાજીમાં ભારે પવન ને લઈ વૃક્ષ ધરાશયી થયા

જામકંડોરણા થી 12 કિલોમીટર દૂર તરવડા ગામ પાસે તોતીંગ પીપર નું તોતીંગ વૃક્ષ ધરાશયી થઇ હતુ આ પીપર નુ ઝાડ પડી જવાથી જુનાગઢ જામનગર હાઈવે બંધ થતાં ની સાથે જામકંડોરણા નું સ્થાનીક વહીવટી તંત્ર ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે દોડી ગ્યું હતું અને જામકંડોરણા ના મામલતદાર વિજયભાઈ મુળીયાસીયા દ્રારા તાત્કાલિક ધોરણે વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પ્રશાસન દ્વારા જેસીબીથી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી જામકંડોરણા મામલતદાર સાહેબ તથા મામલતદાર કચેરીના કર્મચારી પ્રશાંત મહેતા તથા ફોરેસ્ટ કર્મચારી જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હરસુખ ભાઈ રાણપરીયા તથા રાયડી સરપંચ શ્રી કાંતિભાઈ રાણપરીયા જેસીબીની મદદથી રસ્તો ખુલ્લો કરવા જહેમત ઉઠાવી હતી

ધોરાજીનો ચેક ડેમો ઓવર ફલો: મુરજાતી મોલાતોને નવજીવન ધરતી પુત્રો ખુશ ખુશાલ

જામકંડોરણામાં ધોધમાર ફોફળ ડેમમાં નવા નીર આવ્યા ધોરાજી વાવણી લાયક વરસાદ બાદ વરસાદ ન આવતા ધરતી પુત્રો ચિંતામાં મુકાયા હતા. અને મૌલાત મુરજાતી હતી અને ગઇકાલે મેઘરાજાએ પોતાની ઇનીંગ ખેલી હતી અને ધોરાજી વિસ્તારમાં તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં 4 થી પ ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુર આવેલ અને મોટી મારડમાં અંદાજીત 10 ઇંચ જેટલો વરસાદ  પડતા એક પુલ તણાય ગયો હોવાના સમાચાર મળે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને કોઇ જાનહાની થયેલ ન હતી જયારે પાણીવાવ ખાતે પણ જોરદાર વરસાદ પડતા ઓસમ પર્વત પર આવેલ ટપકેશ્ર્વર મહાદેવ મંદિરથી પાણીનો ધોધ પડતો હતો અને તે જોવા બહોળી સંખ્યામાં લોકોએ કુદરતી નજારો જોઇ ધન્યતા અનુભવી હતી. અને ધોરાજી વિસ્તારમાં પણ સકુરા નદી બેઠાડે વહેતી હતી અને પંચનાથ જવાના પુલ પરથી પાણી જતુ હતું.

ધોરાજી વિસ્તાર ચાર ઇંચ વરસાદને પગલે સીઝનનો કુલ 14 ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે જામકંડોણા અને ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ જોરદાર વરસાદ આવતા નદીઓમાં ઘોડાપુર આવેલ હતું અને જામકંડોરણા પંથકમાં બપોરના 1ર થી સાંજ સુધીમાં પાંચ ઇંચ વરસાદ પહેલ હતો અને ધોરાજી જામકંડોરણા વિસ્તારમાં પીવાનું પાણી પુરુ પાડતો ફોફળ ડેમમાં પાંચ ફુટ નવું પાણી આવેલ હતું અને ખેડુતોએ મેઘરાજાને આવકારેલ હતા.ધોરાજીમાં અનેક વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા.

શહેરના ચકલા ચોક, શાક માર્કેટ, ત્રણ દરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન થઈ ગયા હતા. ફક્ત 2 કલાકમાં ધોરાજીમાં 93 મીમી જેટલો વરસાદ પડ્યો હતો. જેને લઈ સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. શહેરમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા પણ સુમસામ નજરે પડ્યા હતા.

ગોંડલના ઉમવાડા અંડરબ્રિજમાં છાતી સમા પાણી ભરાયા

ગોંડલમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા તોફાની ઈનીંગ રમી રહ્યાં છે. ગઈકાલે તો ગોંડલમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે ગોંડલના ઉમવાડા અંડરબ્રિજમાં તો ભારે વરસાદથી છાતી સમા પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. અંડરબ્રિજમાં ક્રેટા કાર ફસાઈ ગઈ હતી અને તુરંત જ લોકો મદદે આવી પહોંચ્યા હતા અને કારને સલામત રીતે બહાર કાઢી હતી.

Leave a Comment