રાજકોટમાંથી થતી ઇમિટેશન નિકાસને વ્યાપક અસર: કરોડોના વેપાર પર સંકટ

અફઘાનિસ્તાનની રાજકીય અસ્થિરતાની અસર રંગીલા રાજકોટના ઇમિટેશન માર્કેટ પર પણ પડી છે. સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટથી અફઘાનિસ્તાનમાં ઇમિટેશન જ્વેલરી સહિતની ચીજવસ્તુઓની મોટાપાયે નિકાસ થાય છે. અફઘાનિસ્તાનના વેપારીઓ અહીં રૂબરુ મુલાકાતે આવી પણ ખરીદી કરે છે. પણ હાલ ડામાડોળ સ્થિતિને કારણે અંદાજે કરોડો રૂપિયાના વ્યવહારો અટકી પડ્યા છે.

ઘણા નિકાસકારોને ભારે નુકસાન થયું છે અને પરિસ્થિતિ ક્યારે સુધરશે તે કોઈને ખબર નથી…? ચૂકવણી થશે કે કેમ ?? તે અંગે વેપારીઓમાં કાળી ચિંતાના વાદળો ઘેરાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ઇમીટેશન જવેલરીનું હબ ગણાય છે. અંદાજે 65 થી 70 હજાર ઘરોમાં ઇમિટેશન જ્વેલરીનું કામ થાય છે.

સમગ્ર દેશમાં 70 ટકાથી વધુ માલ રાજકોટ પૂરો પાડી રહ્યું છે. 1000થી વધુ વેપારીઓ મુંબઇ, કલકત્તા, દિલ્હી, આગ્રા, જયપુર, હૈદ્રાબાદ સહિત સમગ્ર દેશ સહિત પાકિસ્તાન, બાંગ્લાદેશ, આફ્રિકા , ગલ્ફના દેશોમાં દર મહિને રૂ. 500 કરોડથી વધુનો માલ મોકલે છે. નેકલેસ, બંગળી, મંગળસૂત્ર, એર રિંગ, વિછીયા, પાયલ સહિતની ઇમિટેશન જ્વેલરીની માંગ ખુબ છે.

Leave a Comment