રાજકોટમાં કડાકા-ભડાકા સાથે સાંબેલાધારે ચાર ઈંચ વરસાદ

સતત ચાર કલાક સુધી એકધારા વીજળીના ડરામણા કડાકા-ભડાકા સાથે ઈસ્ટ ઝોનમાં 106 મીમી, વેસ્ટ ઝોનમાં 90 મીમી અને સેન્ટ્રલ ઝોનમાં 89 મીમી પાણી પડ્યું: અનેક વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયુ: સિઝનનો કુલ 47 ઈંચ વરસાદ

ફાયર બ્રિગેડની પાંચ ટીમો આખી રાત એલર્ટ: જંગલેશ્ર્વર વિસ્તારમાંથી 125 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મધરાત્રે રાજકોટમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘાના મંડાણ થયા હતા. એક ધારા ચાર કલાક સુધી સતત વીજળીના કડાકા સાથે સવાર સુધીમાં શહેરમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા. ફાયર બ્રિગેડની પાંચ ટીમો શહેરના અલગ અલગ વિસ્તારોમાં આખી રાત દોડતી રહી હતી. જંગલેશ્ર્વર વિસ્તારમાંથી 125 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સવારે 4 વાગ્યે મેઘાએ વિરામ લઈ લેતા તંત્ર સાથે લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. આજે પણ રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય તંત્ર સાબદુ થઈ ગયું છે.

રાજકોટમાં રાત્રે 11:30 કલાકથી ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. રાત્રે 12 વાગ્યાથી લઈ સવારના 4 વાગ્યા સુધી વીજળીના એકધારા કડાકા-ભડાકા સાથે સાંબેલાધારે વરસાદ ખાબક્યો હતો. શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 89 મીમી (મોસમનો કુલ 1272 મીમી) વેસ્ટ ઝોન વિસ્તારમાં 90 મીમી (સીઝનનો 1241 મીમી) અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં 106 મીમી (મોસમનો કુલ 1213 મીમી) વરસાદ પડ્યો હતો. ચાર કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદના કારણે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી હતી. નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા.

આજી ડેમ ઓવરફલો થઈ ચૂક્યો છે. આવામાં ગઈકાલે રાત્રે પડેલા ચાર ઈંચ વરસાદના કારણે ડેમ સતત ઓવરફલો ચાલુ રહેતા શહેરના મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ફાયર બ્રિગેડની પાંચ ટીમો જંગલેશ્ર્વર, ચુનારાવાડ ચોક, ભગવતી પરા, રૂખડીયાપરા સહિતના વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી હતી. લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સતત સુચનાઓ આપવામાં આવી હતી. પાણી ભરાવાના કારણે જંગલેશ્ર્વર વિસ્તારમાં 125 લોકોનું કોર્પોરેશનની શાળા નંબર-70માં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આજે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય તંત્ર સાબદુ થઈ ગયું છે.

Leave a Comment