રાજકોટમાં 11 લાખ લોકો કોરોનાથી સુરક્ષીત: 6 લાખ નાગરિકોએ બીજો ડોઝ પણ લઈ લીધો

વેક્સિન આપવાનો ટાર્ગેટ વધુ એક વખત રિવાઈઝડ કરી 1142093 કરાયો: પ્રથમ ડોઝ લેનારની ટકાવારીનો આંક 96 ટકાને પાર

કોરોનાને નાથવા માટેનું હાથવગુ હથિયાર એકમાત્ર વેક્સિનેશન છે. ગત જાન્યુઆરી માસથી દેશભરમાં વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટમાં આજ સુધી 11 લાખ લોકો કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ મહામારી સામે સુરક્ષીત થઈ ગયા છે. 6 લાખ જેટલા નાગરિકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. વેક્સિનેશન માટે આપવામાં આવેલો ટાર્ગેટ બીજી વખત રિવાઈઝડ કરવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે રાજકોટને 993428 લોકોને વેક્સિન આપવી તેઓ ટાર્ગેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો. દરમિયાન પ્રથમ વખત આ ટાર્ગેટ રિવાઈઝડ કરી 1093991 કરવામાં આવ્યો હતો. વધુ એક વખત વેક્સિનેશનનો ટાર્ગેટ રિવાઈઝ કરવામાં આવ્યો છે અને શહેરમાં 1142093 લોકો વેક્સિન લેવા માટેની પાત્રતા ધરાવે છે.

જે પૈકી આજ સુધીમાં 1099274 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. પ્રથમ ડોઝ લેનારની ટકાવારી 96.25 ટકાએ પહોંચી જવા પામી છે. જ્યારે જે વ્યક્તિએ પ્રથમ ડોઝ લીધો હોય અને બીજા ડોઝ લેવાની અવધી થઈ હોય તેવા 686213 લોકો સામે આજ સુધીમાં 579859 લોકોને વેક્સિનના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. જેની ટકાવારી 84.50 ટકા જેવી થવા પામે છે.

તેઓએ ઉમેર્યું હતું કે, 84 દિવસ વીતી ગયા હોવા છતાં કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ ન લેનાર લોકોની સંખ્યા 103659 છે. જ્યારે 28 દિવસ વીતી જવા છતાં કો-વેક્સિનનો બીજો ડોઝ ન લેનાર લોકોની સંખ્યા 7082 છે. 1010349 લોકોને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 496529 લોકોએ કોવિશિલ્ડનો બીજો ડોઝ લઈ લીધો છે. શહેરમાં માત્ર 57555 લોકોએ જ કો-વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. જેની સામે 45689 લોકો કો-વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.

વેક્સિનેશનની કામગીરીમાં રાજકોટ ખુબ આગળ છે. 100 ટકા લોકોને વેક્સિન આપી કોરોના સામે સુરક્ષીત કરવાના ટાર્ગેટ સાથે તંત્ર આગળ વધી રહ્યું છે.

Leave a Comment