વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ: વધારાનો દિવસ કોને ફળશે, ભારતે જીત માટે આટલા રન તો કરવા જ પડશે ?!!

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલ મેચના પાંચ દિવસના અંતે મેચ વધુ રસપ્રદ બની ગયો છે. આજે રિઝર્વ ડેના સ્વરૂપમાં ૬ઠ્ઠો દિવસ છે. કિવિઝ દ્વારા ૩૨ રનની લીડ મેળવી છે ત્યારે ભારત પાસે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે હજુ ૮ વિકેટ હાથમાં છે ત્યારે ભારતે ૨૦૦+ રન કરવા જરૂરી છે. જો ભારતીય ટીમ ૨૦૦+ રન કરી શકે તો ભારતીય ટીમ ડ્રાઇવિંગ સીટ પર આવી જશે અને જીત તરફની કેડી સરળ બની જશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલ મેચના પાંચમા દિવસની રમતના અંતે ભારતીય ટીમે ૬૪ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ ઇનીંગમાં ૨૧૭ રન કર્યા હતા. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ ઇનીંગ રમતા ૩૨ રનની લીડ મેળવી હતી. રોહિત શર્મા અને શુભમન ગીલ બીજી ઇનીંગને રમવા માટે મેદાને ઉતર્યા હતા. ગીલ ૮ અને રોહિત ૩૦ રન કરીને વિકેટ ગુમાવી બેઠા હતા. ૨ વિકેટે ૬૪ રન કરીને ૩૨ રનથી ભારત રમતમાં આગળ રહ્યુ હતું.

ભારતીય ટીમે ૩૦ ઓવરની રમત રમી હતી. દિવસના અંતે વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા ક્રિઝ પર રહ્યા હતા. કોહલી એ ૮ રન અને પુજારા ૧૨ રન પર રમતમાં હતા. રોહિત શર્માની વિકેટ ગુમાવ્યા બાદ બંનેની જોડીએ કિવી બોલરોનો સામનો કર્યો હતો.

સવારે વરસાદની અડચણથી રમત નિયત સમય કરતા થોડી મોડી શરુ થઇ હતી. પાંચમાં દિવસની શરુઆત ૨ વિકેટે ૧૦૧ રનથી શરુ કરીને, રમતને ન્યુઝીલેન્ડે આગળ વધારી હતી. મહંમદ શામી અને ઇશાંત શર્માની બોલીંગ સામે આજે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો મુશ્કેલ સ્થિતીમાં નજર આવ્યા હતા. ન્યુઝીલેન્ડ એ ૨૪૯ રનની પ્રથમ ઇનીંગ રમી હતી. આમ ૩૨ રનની લીડ ભારત સામે મેળવી હતી. શામી એ ૪ અને ઇશાંત શર્માએ ૩ વિકેટ ઝડપી હતી.

૨૪૯ રને ઝડપથી ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઇન્ડીયાને બેટીંગનો યોગ્ય સમય મળી રહ્યો હતો. રોહિત શર્મા અને શુભમન ગીલ બંનેની જોડી પ્રથમ ઇનીંગની માફક લાંબુ ટકી શકી નહોતી. બંને એ ૨૪ રનની ભાગીદારી રમત પ્રથમ વિકેટ માટે રમી હતી. ત્યારબાદ ચેતેશ્વર પુજારા અને રોહિત શર્માએ રમતને આગળ વધારી હતી. જોકે રોહિત ૮૧ બોલની રમત રમીને ૩૦ રન કર્યા હતા.

ન્યુઝીલેન્ડના બોલરોએ કસીને બોલીંગ કરી, ભારતીય બેટ્સમેનો પર દબાણ વધારવા પ્રયાસ કર્યો હતો. પરંતુ શુભમન ગીલની વિકેટ બાદ રમતના દિવસના અંત સુધી ન્યુઝીલેન્ડના બોલરો સંઘર્ષ કરતા રહ્યા હતા. રોહિત શર્મા અને પુજારાએ કિવી બોલરો સામે ધૈર્ય દર્શાવી રમત રમવા પ્રયાસ કર્યો હતો. જોકે ટિમ સાઉથી બંને ઓપનર ખેલાડીઓની વિકેટને એલબીડબ્લ્યુ ઝડપી હતી.

ફાઇનલ મેચના પ્રથમ દિવસને વરસાદનો અવરોધ નડ્યો હતો. જેને લઇને બીજા દિવસે ટોસ ઉછાળી રમતની શરુઆત કરાઇ હતી. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ વિરાટ કોહલીની ટીમ ટોસ હારીને બેટીંગ માટે ઉતરી હતી. સારી શરુઆત બાદ, ટીમ ૨૧૭ રન પર જ સમેટાઇ ગઇ હતી. ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ બેટીંગ ઇનીંગ દરમ્યાન ડેવોન કોન્વે અને લાથમની રમત વડે મજબૂત શરુઆત કરી હતી.

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ રમતમાં વરસાદ અને ઝાંખા સૂર્ય પ્રકાશે રમતને ખૂબ અસર કરી હતી. વરસાદે પાંચ પૈકી બે દિવસને સંપૂર્ણ રીતે ધોઇ નાંખ્યા હતા. જેને લઇ આઇસીસી સામે પણ રોષ ફેન્સ અને દિગ્ગજ પૂર્વ ખેલાડીઓ દ્વારા ઠલવાયો હતો. જોકે આઇસીસી એ પહેલાથી જ છઠ્ઠા દિવસને રિઝર્વ ડે તરીકે જાહેર કર્યો હતો. જે વરસાદ અને ઝાંખા પ્રકાશ સામે નુકશાન થયેલ ઓવરોની ભરપાઇ માટે જાહેર કર્યો હતો. આમ હવે મેચ છઠ્ઠા દિવસની રમતમાં પહોંચશે. જોકે પરિણામ માટે બંને ટીમોએ, રિઝર્વ ડેએ શાનદાર પ્રદર્શન રજૂ કરવું પડશે.

Leave a Comment