વાહન ચાલકો હીટ વિકેટ, ભાવ વધારાની હેટ્રીક: રાજકોટમાં પેટ્રોલના ભાવ સદી ભણી

petrol diesel price increase
petrol diesel price increase

આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલની કિંમતમાં 29 પૈસા અને ડીઝલની કિંમતમાં 37 પૈસાનો વધારો : કાલે પેટ્રોલ સદી ફટકારી રેકોર્ડ બનાવશે

 

અબતક, રાજકોટ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ બેરલના ભાવ આસમાને આંબી જતા દેશમાં સ્થાનિક ઓઇલ કંપનીઓ દ્વારા છેલ્લા એક સપ્તાહની ભાવ વધારાનો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. સતત વધી રહેલા ભાવ વધારાના કારણે વાહન ચાલકો હીટ વિકેટ થઇ ગયા છે. આજે ભાવ વધારાએ હેટ્રીક ફટકારી છે. રાજકોટમાં પેટ્રોલના ભાવ સદી ભણી આગળ વધી રહ્યાં છે. આવતીકાલે પ્રતિલીટર પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની પાર થઇ જશે. તહેવાર સમયે જ મોંઘવારીએ અજગરી ભરડો લેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પેટ્રોલ-ડીઝલ, સીએનજી અને રાંધણ ગેસના ભાવ વધારાથી જનતા પીસાઇ રહી છે અને શાસક પક્ષના નેતાઓ જનતાના આશિર્વાદ લેવા માટે યાત્રા કાઢી રહ્યાં છે.

છેલ્લાં એક સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ બે વાર હેટ્રીક ફટકારી છે. ગત્ શુક્રવાર, શનિવાર અને રવિવારે સતત ત્રણ દિવસ સુધી ભાવ વધારો ચાલુ રહ્યા બાદ સોમવારે વાહન ચાલકોને માત્ર એક દિવસ માટે રાહત આપવામાં આવી હતી. દરમિયાન મંગળવારથી ફરી ભાવ વધારાના કોરડા વિંઝવાનું શરૂ કરવામાં આવ્યું હતું. મંગળવાર અને બુધવાર બાદ આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. આજે પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડીઝલના ભાવમાં 37 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. રાજકોટમાં આજે

પ્રતિલીટર પેટ્રોલના ભાવ રૂા.99.76 એ પહોંચી જવા પામ્યો છે. જ્યારે ડીઝલનો ભાવ રૂા.98.64 એ પહોંચી ગયો છે. આવતીકાલે પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઇ જશે. તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ વધારા વચ્ચે સીએનજીની કિંમતો અને રાંધણ ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ચોતરફ મોંઘવારીથી પિસાઇ રહીલી જનતાને સરકાર દ્વારા રોજ સુરજ ઉગતાની સાથે જ ભાવ વધારાનો ડામ આપવામાં આવી રહ્યો છે.

Leave a Comment