સંંયુકતમાંથી વિભકત કુટુંબ થતા ઘરની સાથે માનવના સ્વભાવ પણ બદલાયા

પહેલા એક વડિલની છત્રછાયા ચાર-પાંચ ભાઇઓના પરિવાર આનંદથી રહેતો, ભાઇઓ છુટા પડયા ને ‘અન્ન નોખા તેના મન નોખા’ સાથે પારાવાર મુશ્કેલી ઉભી કરી ઘરમાં મોભી બધા નિર્ણયો લેતા બધામાં સંપ રહે તો હતો: આજે ભાઇઓ કે સંતાનો નિર્ણયો લેતા થયાને કુટુંબ કલેશે જન્મ લીધો: આજે તો એક સંતાન વાળા મા-બાપો પણ દિકરાથી અલગ રહેતા જોવા મળે છે: કુટુંબ વ્યવસ્થાને માનવીના સ્વભાવ સાથે સિધો સંબંધ છે

વાત આજથી પાંચ કે છ દશકા પહેલાની જ છે જયારે પરિવારનો આનંદ કંઇક ઔર જ હતો. ચાર-પાંચ ભાઇઓ માતા-પિતા, દાદા-દાદીના મોટા પરિવારના સમુહએ જમાનામાં જોવા મળતા હતા. એક રસોડે જમતા પરિવારોના મન પણ એક જ હતો. કુટુંબ કલેશ જેવું હતું જ નહીં ને લોકો આનંદથી સૌ સાથે મળીને સંસારયાત્રા માણતા હતા. એકાદ નબળો ભાઇ સંયુકત કુટુંબમાં જીવન સાગર સારી રીતે તરી જતો હતો. સંતાનો તો કયારે મોટા થઇ જતા એ જ ખબર ન હતી.

સંયુકત કુટુંબના અનેક લાભા લાભ હતા પણ કજીયા કંકાસ અને સહન શિલતાના અભાવે સુખી પરિવારોનો વિચ્છેક થઇને વિભકત કુટુંબો આકાર પામ્યા. નવી પરણીને આવેલી વહુ અને સાસુઓના જગડાથી કંટાળીને વડિલો જ ભાઇ કે સંતાનોને અલગ રહેવાની સલાહ દેવા લાગ્યા હતા. ભાઇઓ વચ્ચે ભાગ બટાઇમાં મકાનો સાથે તમામ મિલ્કતોમાં મા-બાપના પણ ભાગલા જોવા મળવા લાગ્યા હતા. આ સ્થિતિમાં ઘર બદલાયાને સાથે લોકોના સ્વભાવો પણ બદલાતા જોવા મળે છે. ‘અન્ન નોખા તેના મન નોખા’ આ કહેવત ઘણી માર્મિક છે જેને કારણે અલગ રહેતા ભાઇ કે પોતાના સંતાનો જુદા થવાથી પહેલા જેવો પ્રેમ રહેતો નથી.

ઘરના મોભીનો નિર્ણય બધા શિરોમાન્ય ગણતા હતા. આજે તેથી ઉલ્ટુ સંતાનો નિર્ણય લેતા વડિલો મુશ્કેલીમાં મુકાવા લાગ્યા છે. પરિવારની સફળતા એક સંપ અને સહનશીલતા સાથે જતુ કરવાની ભાવનામાં વિશેષ જોવા મળે છે. પરિવર્તન દરેક જગ્યાએ જરુરી છે પણ કુટુંબોના પરિવર્તને ઘણાને મુશ્કેલીમાં મુકી દીધા છે. આજે એક દિકરા વાળા કે એક દિકરીવાળા વૃઘ્ધાશ્રમોમાં જોવા મળે કે કયાંક એકલા રહેતા જોવા મળે છે.  પહેલાના જમાનામાં 1પ થી ર0 વ્યકિતનો વિશાળ પરિવાર હતો. સમાજ કે તેની જ્ઞાતિમાં તેની શાખ હતી જે આજે વિભકત કુટુંબ પ્રથામાં નષ્ટ થઇ ગઇ છે.

ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર તરફની દોટમાં કેટલાય પરિવારો દેખાદેતીમાં મુશ્કેલીમાં મુકાયાને પરિવાર છિન્ન-ભિન્ન થઇ ગયો જોવા મળે છે. પરિવારને એક રાખવામાં વડિલોની બુઘ્ધી ભલે તેઓ ભણેલા ન હતા. પણ ભણતર કરતાં ‘ગણતર’ વધુ હોવાથી પરિવારને અંકબંધ રાખવાની તેમનામાં આવડત હતી. વડિલોનું મેનેજમેન્ટ આજના યુગમાં પણ 100 ટકા સફળ રહે છે. સંતાનોના વિવાહ બાદ કુટુંબોમાં વિખવાદ અને દરરોજના ઝગડાઓથી કંટાળીને વડિલો છાને ખુણે રહીને પણ સંતાનોની ઇચ્છા મુજબ નિર્ણયો લઇને તેને રાજી રાખતા જો કે ઘણા કિસ્સામાં બે છેડા જુદા રહેવામાં ભેગા ન થતાં ફરી પરિવારમાં પરત ફર્યાના દાખલા પણ સમાજમાં જોવા મળે છે. જુના લોકોનો પ્લસ પોઇન્ટ તેનો સ્વભાવ અનુભવ સાથે બધાને એક સરખો પ્રેમભાવ રાખવાને કારણે એે વખતની પરિવાર વ્યવસ્થા શ્રેષ્ઠ હતી.

જુના જમાનામાં પરિવાર ટકી રહ્યા તેનું કારણ આજની જેવી જીવનશૈલી હતી. ટીવી, મોબાઇલ  કે ઇન્ટરનેટ ન હોવાથી માનવીમાં દુષણો આવ્યા જ ન હતા. તેથી એકબીજાની શરમ દરેક માણસને નડતી હતી. સૌ સાથે જમવા બેસતાને રાત્રે સૌ સાથે મળીને ચર્ચા-વિચારણા સાથે પરિવારની વિકાસની વાત સાથે સૌ નિર્ણયોમાં મદદરુપ થતા એકબીજાના સહયોગથી જ ઘણા અધરા કાર્યો, મુશ્કેલીને પૂર્ણ કર્યા હતા. 18 વર્ષથી નીચેના સંતાનો ને તો ભણવા, રમવાને જલ્સા જ કરવાના હતા, અને હા ભૂલ થાય તો વડિલોનો કે મા-બાપનો મેથીપાક ખાવાની તૈયારી પણ રાખવી પડતી હતી. જયારે મુશ્કેલી આવે ત્યારે તમને તમારૂ કુટુંબ જ ટેકો આપે છે.

પરિવારની સુખની આધાર શીલા જ સરળ સ્વભાવ છે. સંયુકત કુટુંબમાં ઉજવાતા તહેવારો જેવી મઝા આજે ર1મી સદીની નવી દુનિયામાં જોવા નથી મળતી. આજે ખોટા ખર્ચાને કારણે લોન લઇને વ્યાજના ચક્રમાં ફસાતા માનવીને પરિવારના સમાચારો દરોજ જોવા મળી રહ્યા છે. પારિવારિક લોકોમાં અમુકના ક્રોધી સ્વભાવને કારણે પણ નાની વાતનું રજનું ગજ કરનારા કુટુંબને ભાંગી નાખે છે. સંસારનો નિયમ પરિવર્તન છે પણ બદલાવ એ માનવીનો સ્વભાવ છે. આજે તો માણસ બદલાયો છે, સમય નહીં પ્રારંભે જ એકબીજાના વિશ્ર્વાસ તુટતા લગ્ન વિચ્છેક સાથે પરિવારોની મુશ્કેલી વધી છે.

જુના જમાનો કે અત્યારનો જમાનો સ્વભાવ જ દરેક માનવીની એક અલગ છાપ છોડી જાય છે. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ પરિવારને એક જુટ રાખવા દયાળુ સ્વભાવ સાથે શાણપળ હોય તે જરુરી છ. મહાભારતમાં ભાઇઓ વચ્ચેના વિખવાદથી કેવડું મોટું સ્વરુપ ધારણ કરે છે તે આપણે બધાએ જોયં કે સાંભળ્યું છે. પરિવારને ઉંચે લઇ જવો હોય તો અને જીવનની સૃુખની ચાવી તમારે જોઇતી હોય તો એડજસ્ટ કરતાં શીખો. જરુરીયાત વગરનો ખર્ચ ન કરો તો આજના યુગમાં પણ તમો આરામથી પરિવારને સુખી કરી શકો છો. તમારી રહેણીકરણીને કારણે તમો પરિવારથી દુર ફેંકાઇ શકો છો એકબીજાથી દૂર થવામાં ઘણા બધા ગુણો ન હોવાથી પરિવારોના ભાગલા પડયા છે.

ભલે સુખ દુ:ખ આવે પણ પરિવારમાં તણાવ ન આવે તો તે શ્રેષ્ઠ પરિવાર છે. આજે મોટા ભાગે દેખા દેખીને કારણે તથા ઝડપી પૈસાવાળા  થવાની ઉતાવળમાં પરિવારને નષ્ટ કરી દે છે. આપણાં સૌના પરિવારમાં સારો- ખરાબ માણસ કે સ્વભાવ હોવાનો જ જો પરિવાર તેની સાથે અનુકુલન સાધી લે તો બહુ વાંધો આવતો નથી. દરેક માનવીનું મન એક અકળ ગણિત જેવું હોય છે. જેમ હાથની પાંચ આંગળી સરખી હોતી નથી તેમ આ પણા કુટુંબમાં પણ બે ત્રણને કારણે બધાએ સહન કરવાનો વારો આવે છે.

ઘણા પરિવારોમાં ખરાબ સ્વભાવને કારણે મુશ્કેલી આવી હોય ત્યારે સૌ પરિવાર ની પ્રેમ-હુંફ અને લાગણીને કારણે લેટ ગો ની ભાવનાથી સૌને એક ઝુટ કરી શકાય છે. સમજાવટથી ઘણીવાર તે સમજે નહીં તો બાદમાં હારવાથી તેને ખબર પડતા ફરી કુટુંબમાં પરત ફરે છે. આજે ભલે ટેકનોલોજીએ અફાટ પ્રગતિ કરી હોય પણ સંયુકત પરિવારનો આનંદ કયારેય આપી ન શકે આજના યુગમાં જો કે સંયુકત પરિવાર શકય ના બને પણ એક મેકના મીઠા સંબંધો સાથે મીઠો આવકાર તમારા પરિવારને સતત જીવંત રાખી શકે છે.

પરિવર્તન એ સંસારનો નિયમ છે, પણ પ્રેમ-હુંફ અને લાગણીથી પરિવારને ધબકતો રાખી શકો

સંયુકત કુટુંબમાં પ્રેમ-હુંફ અને લાગણી સાથેનું જીવન હતું. આજે વિભકત કુટુંબ આ ત્રણેયની ગેરહાજરીથી બે  સગાભાઇ કે બહેનો વચ્ચે અબોલા જોવા મળે છે. આજે વડિલોની કોઇને આમાન્ય ન હોવાથી કુટુંબ કલેશ ઘેર ઘેર જોવા મળી રહ્યા છે. આજના સંતોનોને મોજ શોખને ખોટા ખર્ચાઓ કરવા છે જે વડિલો ને ગમતા આજના યુગમાં કોમ્યુનિકેશન ગેપ જોવા મળે છે. આજના સંતાનો મા-બાપને  બે ધડક કહે છે કે તમને ખબર નહીં પડે જે દુ:ખદ છે. પરિવર્તન સંસારનો નિયમ છે પણ પ્રેમ-હુંફ અને લગાણીથી પરિવારને ધબકતો રાખી  શકો છો. આજના યુગમાં કોઇનામાં સહન શીલતા ન હોવાનો કારણે સૌ પારાવાર યાતના ભોગવી રહ્યા છે.

શિક્ષણ મેળવતા વિચારો બદલાયા પણ જીવન સાથેનું ભણતરનું ગણતર ન હોવાથી વિભકત કુટુંબોમાં ઘણા પ્રશ્ર્નો જોવા મળી રહ્યા છે. સુખી કુટુંબો માટે સંબંધોનું જતન જરુરી છે. હેપ્પી ફેમીલી માટે આ આર્ટ દરેકે શિખવા જેવું છે. વિદેશી અનુકરણે પણ ઘણા પરિવારોનો વિચ્છેદ કર્યો છે. અગાઉના જમાનામાં એક મા-બાપ પોતાના પાંચ છ સંતાનોને ભણાવી ગણાવીને તેના વિવાહ સંપન્ન પણ કરતા હતા. અરે તેના સંતાનોને પણ મોટા કરી દેતા એવી તાકાત હતી. આજે તમે એટલું કરી શકો છો? જવાબ ‘ના’ જ હશે માટે કુટુંબ પરિવારની એકતા જ શ્રેષ્ઠ છે એ ભુલવું ના જોઇએ.

Leave a Comment