સફેદ દૂધનો કાળો કારોબાર: રાજકોટમાં ક્યાંથી ઝડપાયો આટલા મોટા પાયે નકલી દુધનો જથ્થો..?  

પાણીના ટેન્કરમાં દુધની ડીલેવરી; 1000 લીટર સ્વાદ અને વિચીત્ર ગંધ વાળા દૂધનો નાશ કરાયો

‘સફેદ દૂધનો કાળો કારોબાર’ પૈસા કમાવવાની લાલચમાં લેભાગુ તત્વો લોકોની જીંદગી સાથે ચેડા કરતા અચકાતા નથી આવા તત્વો સામે કાયદો પણ બુઠો સાબીત થઈ રહ્યો છે. જેનો લાભ લઈ આવા તત્વો બેરોકટોક દૂધ જેવા સંપૂર્ણ આહારને પણ ગ્રહણ લગાડી પોતાના ખીસ્સા ભરી રહ્યા છે.ત્યારે ઉપલેટાનાં ઢાંક ગામેથી દરરોજ હજારો લીટર અખાધ દૂધ રાજકોટમાં ઠલવાતું હોવાનું માહિતી પરથી મોડીરાત્રે પોલીસે છાપો મારી એક હજાર લીટર અખાધ દૂધ સાથે યુટીલીટીના ચાલકની અટકાયત કરી ભેળસેળ યુકત દૂધના નમુના લેવામા આવ્યા હતા.

આ અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉપલેટાના ઢાંક ગામેથી દરરોજ હજારો લીટર ભેળસેળ યુકત દુધ રાજકોટમાં ઠલવાતું હોવાની માહિતી પરથી મોડીરાત્રે પોલીસે યુની રોડ પંચાયતનગર ચોકમાંથી પાણી ભરવાના સફેદ ટાંકા સાથેની પીકઅપ વાહન અટકાવી તલાશી લેતા તેમાંથી 1000 લીટર દુર્ગંધ મારતું સ્વાદ વગરનું ભેળસેળ યુકત દુધ મળી આવતા ઢાંક ગામના ચાલક રાજુ ગોગનભાઈ ટોળીયા ઉ.28ની અટકાયત કરી હતી.

પોલીસે આ અંગે કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરતા રાત્રે જ અખાધ દૂધના નમુના મેળવી 1000 લીટર દૂધનો નાશ કરાયો હતો. પોલીસની પૂછપરછમાં રાજુ ટોળીયા દરરોજ હજારો લીટર દૂધ ઢાંક ગામે ડેરી ધરાવતા વિજય માકડની ડેરીએથી મોડીરાત્રે પાણી ભરવાના ટેન્કરમાં દુધ ભરી રાજકોટમાં ડીલેવરી કરતો હોવાની કબુલાત આપી હતી.રાત્રે એક વાગ્યે રાજુ ટોળીયા ઢાંકથી 1600 લીટર અખાધ દૂધ ભરી રાજકોટ આવ્યો હતો. અને વિજયના કહેવા પ્રમાણે રાત્રે પ્રથમ ડીલેવરી પેડકરોડ શિવશકિત ડેરી ફાર્મ ત્યારબાદ આશાપુરા ડેરી ફાર્મ પ્રહલાદ રોડ પર અખાધ દૂધની ડીલેવરીકરી બાકીનો દુધનો જથ્થો મુંજકા આપવા જતો હતો.

કોર્પોરેશન ફૂડ વિભાગે પેડક રોડ અને પ્રહલાદ રોડ પર આવેલ શિવશકિત ડેરી અને આશાપુરા ડેરી ફાર્મમાંથી પણ અખાધ દૂધના નમુના લીધા હતા જેને પૃથ્થકરણ માટે વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.બીજી બાજુ અખાધ દૂધનું પગેરૂ શોધવા પોલીસ અને કોર્પોરેશનની ટીમ ઉપલેટાના ઢાંક ગામે રહેતા વિજય માંકડની ડેરીમાં દરોડો પાડયો હતો પરંતુ પોલીસ પહોચે તે પહેલા જ વિજયને માહિતી મળી જતા પોતાની ડેરી અને ઘરને તાળા મારી ભુર્ગભમાં ઉતરી ગયો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રાજુ ટોળીયાના જણાવ્યા પ્રમાણે તેલ-ક્ષાર અને પાવડરનું મિશ્રણ કરી નકલી દુધ બનાવવામાં આવતું હતુ જેનો સ્વાદ વિચીત્ર હોવાનું અને ગંધ પણ જુદી જ હોવાનું તંત્રએ જણાવ્યું છે.

વિચીત્ર સ્વાદ અને ગંધ યુકત નકલી દૂધ

રાજકોટમાં દરરોજ હજારો લીટર નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ત્યારે મોડીરાત્રીના દારૂની જેમ નકલી દુધની ડીલેવરી કરતા રાજુ ટોળીયાની પોલીસે પૂછપરછ કરતા તેલ -ક્ષાર અને પાવડરનું મિશ્રણ કરી નકલી દુધ બનાવવામાં આવતું હતુ. જેનો સ્વાદ વિચિત્ર હોવાનું અને ગંધ પણ કાંઈક અલગ જ હોવાનું જાણવા મળ્યું છે.

ડુપ્લીકેટ દૂધ મીઠાઈ બનાવવામાં વપરાતું’તુ ?

નકલી દૂધનો જથ્થો રાજકોટમાંથી મધરાત્રે ઝડપાયા બાદ પોલીસે પીકઅપ વાહનના ચાલકની અટકાયત કરી પૂછપરછ કરતા ચોકાવનારી હકિકત પ્રકાશમાં આવી છે. તેલ-ક્ષાર અને પાવડરનું મિશ્રણ કરી બનાવવામાં આવતા નકલી દૂધનો મોટાપાયે મીઠાઈ બનાવવામાં ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે. સાતમ આઠમના તહેવાર પહેલા જ નકલી દુધનો મોટો જથ્થો મળી આવતા લોકોને નકલી દૂધમાંથી બનાવવામાં આવતી મીઠાઈ ખાવામાંથી છૂટકારો મળી ગયો છે.

Leave a Comment