સરકારનું પ્રોત્સાહક પગલું ડ્રગ્સના કાળા કારોબાર ઉપર તવાઈ કરનાર પોલીસકર્મીઓને મળશે છ ગણું ઇનામ!!

ડ્રગ્સના કારોબારને જડમૂળમાંથી ઉખાડી નાખવા તપાસમાં જોડાયેલા પોલીસકર્મીઓને રૂ. 30 હજારનું ઇનામ ચૂકવવાની જાહેરાત

 

અબતક, અમદાવાદ

તાજેતરમાં રાજ્યમાંથી માદક દ્રવ્યોની ઘણી જપ્તીઓ થઈ હોવા છતાં રાજ્ય સરકારે ડ્રગ્સના વધતા જોખમને રોકવા માટે એક વ્યાપક એક્શન પ્લાન તૈયાર કરવા માટે વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓની ખાસ બેઠક બોલાવી હતી.  તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બોલાવવામાં આવેલી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠક ટેકનોલોજી, કુશળતા અને માનવબળની દ્રષ્ટિએ અપગ્રેડેશનની જરૂર હોય તેવા વિસ્તારોને ઓળખવાની કવાયતના ભાગરૂપે યોજવામાં આવી હતી. જેથી ડ્રગના જોખમનો વધુ અસરકારક રીતે સામનો કરી શકાય.

છેલ્લા ઘણા સમયથી ડ્રગના કેસોને ક્રેક કરનારા પોલીસકર્મીઓને રૂ. 5000નું આર્થિક પુરસ્કાર આપવામાં આવે છે.  સરકારે આ ઇનામને છ ગણો વધારીને 30 હજાર રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.  સરકારી સૂત્રોએ માહિતી આપતા કહ્યું કે, આવા કેસો સાથે કામ કરતા સીપીએસ માટે આ મનોબળ વધારનાર હશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમે સમજીએ છીએ કે માનવશક્તિની ઘટ્ટ છે, તકનીકી પાસાઓને પણ અપગ્રેડ કરવાની જરૂર છે. અમે માદક દ્રવ્યોના વપરાશને નિયંત્રિત કરવા અને ગુજરાતના બંદરોને નશીલા પદાર્થોના પરિવહનમાં દરિયાકાંઠાના ઉપયોગને નિયંત્રિત કરવાની યોજના બનાવી રહ્યા છીએ.

તેમણે ઉમેર્યું હતું કે, પુરસ્કાર રૂ. 5000 રૂપિયાથી વધારીને રૂ. 30,000  કરવાનો નિર્ણય નાર્કોટિક્સના વેચાણ અને પરિવહન સાથે સંકળાયેલા લોકોનું મનોબળ વધારવા માટે એક નાનું પગલું છે.  મંત્રીએ કહ્યું કે, આ ઉપરાંત સરકાર એવા પોલીસકર્મીઓને પણ સન્માનિત કરશે જેઓ નાર્કોટિક્સ સંબંધિત કેસોને ક્રેક કરવામાં મદદ કરે છે.  તાલીમ અને ટેકનોલોજી અપગ્રેડેશન મોરચે પોલીસકર્મીઓ માટે માદક દ્રવ્યોના કેસો પર કેવી રીતે કામ કરવું તે અંગે વિશેષ તાલીમ મોડ્યુલ રાખવામાં આવશે.  આ ઉપરાંત આવા કેસોને વધુ અસરકારક રીતે હેન્ડલ કરવા માટે સરકાર તેમના સંસાધનોને અપગ્રેડ કરશે.  સંઘવીએ કહ્યું, રાજ્યના વિવિધ બંદરો પર માદક દ્રવ્યોની હેરાફેરી રોકવા માટે એક અલગ સેલ ઉભું કરાશે. નોંધનીય છે કે, તાજેતરમાં એવા ઘણા કિસ્સાઓ બન્યા છે, જ્યાં બંદરો અને ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરી માદક પદાર્થોનું પરિવહન કરવા હીન પ્રયાસો કરાયાં છે.

મુંદ્રા પોર્ટથી જપ્ત થયેલા 3 હજાર કિલો ડ્રગ્સ કેસની તપાસ હવે એનઆઈએના હવાલે

દેશભરમાં ચકચાર મચાવનાર મુંદ્રા પોર્ટથી ઝડપાયેલા રૂ. 22 હજાર કરોડના હેરોઈન પ્રકરણની તપાસ સતાવાર રીતે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા હસ્તગત કરવામાં આવી છે. આ અંગે વિધિવત્ રીતે એનઆઈએ દ્વારા આયાતકાર દંપતી રાજકુમાર પી. અને અન્યો સામે એનડીપીએસ,અનલોફુલ એક્ટિવીટી અને આઈપીસીની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણને ઉજાગર કરનાર ડીઆરઆઈએ અત્યાર સુધી દેશભરમાંથી 10 જેટલા લોકોની ધરપકડ કરી હતી. એનઆઈએ દ્વારા મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસની તપાસ વિધિવત ટેક ઓવર કરાઈ હોવાનું ગુરુવારે જણાવાયું હતું.

એનઆઈએના સુત્રોએ કહ્યું કે 6 ઓક્ટોબરના એનઆઈએ દ્વારા ડીઆરઆઈ દ્વારા દાખલ કરાયેલા કેસની તપાસ હસ્તગત કરીને આઈપીસીની 120બી, એનડીપીએસના સેક્શન 8 (સી)ના 23, અને અનલોફુલ પ્રીવેન્શન એક્ટિવીટી એક્ટના સેક્શન 17,18 તળે આ ક્ધસાઈમેન્ટના આયાતકાર મચવરમ સુધાકરણ, દુર્ગા પીવી ગોવીંદરાજુ, રાજકુમાર પી. અને અન્યો સામે એનઆઈએ દ્વારા કેસ રજીસ્ટર્ડ કરાયો છે.

હેરોઇન કેસનો ઈરાની ડ્રગ પેડલર ગુજરાત એટીએસના સકંજાથી ફક્ત ’વેંત છેટો’!!

ગુજરાત એન્ટી ટેરિરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) ઈરાનના કોનારકથી ઈમામ બક્ષ તરીકે ઓળખાતા ડ્રગલોર્ડરની ટૂંક સમયમાં જ ધરપકડ કરવા જઈ રહી છે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ઇમામના ના સાત સાથીઓ સપ્ટેમ્બરમાં પોલીસ અને ભારતીય કોસ્ટગાર્ડ (આઈસીજી) દ્વારા 30 કિલો હેરોઈન સાથે મધ્ય સમુદ્રમાં ઓપરેશનમાં પકડાયા હતા.  એટીએસએ ઇમામ બક્ષની તસવીર જારી કરી હતી. એટીએસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ધરપકડ કરાયેલા ક્રૂ મેમ્બર્સના ફોન પરથી કેટલાક ફોન નંબર પણ મેળવ્યા છે અને ઈરાન અને પાકિસ્તાન જેવા દેશોમાંથી ફોન કરનારાઓને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

Leave a Comment