સાબરકાંઠા: ઈડરમાં ચંદનચોરો બેફામ, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

હિતેશ રાવલ- સાબરકાંઠા:

સાબરકાંઠા જિલ્લામાં ચંદન ચોરો બેફામ બન્યા છે. ચંદનના વૃક્ષની ચોરીના બનાવો દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે. મોંઘામુલા લાકડાની ચોરીથી ખેડુતોને ભારે નુકસાની થઈ રહી છે. ત્યારે વધુ એક ચંદન ચોરીનો બનાવ સામે આવ્યો છે.

ફરી એક વાર ઇડર તાલુકાના વસાઈ ગામેથી ગત રાત્રે ચંદન ચોરો ઝાડ કાપી જતા પોલિસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગ છેલ્લા 20 વર્ષથી ચંદન ચોરી પર કાબુ મેળવી શકી નથી..? તેવા પ્રશ્નો પણ સ્થાનિક લોકોમાં ઉઠી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના વસાઈ ગામે કુદરતી રીતે ખેતરમાં ચંદનના ઝાડ ઉગે છે આ ચંદન નેચરલ ઝાડ હોવાને કારણે તેની કિંમત પણ વધારે હોય છે. પરંતુ આ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી સતત ચંદનના ઝાડને રાત્રીના સમય દરમિયાન કાપી ચોરો પલાયન થઈ જાય છે. ત્યારે આ પ્રકારે ચંદન ચોરીનો ભેદ ક્યારે ઉકેલાશે તે એક સવાલ ઉભો થયો છે..??

આ અંગે વસાઈ ગામના સરપંચ નરેશ દેસાઈએ કહ્યું છે કે છેલ્લા 20 વર્ષથી સતત ચોરી થવા છતા આજ દિન સુધી પોલીસ કે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ ચોરીનો ભેદ ઉકેલી શકાયો નથી. આ અંગે
ખેડૂતોનું કહેવું છે કે વસાઈ ગામે અત્યાર સુધીમાં 1 કરોડથી વધુની કિંમતના ઝાડ ચોરો કાપી પલાયન થઈ ગયા છે. ગત રાત્રે ફરી એકવાર યોગેશભાઈ દેસાઈના કુવા ઉપરથી 3 લાખ જેટલી કિંમતનું ચંદનનું ઝાડ કાપી ચોરો લઇ જતા પોલીસમાં ફરિયાદ નોંધી છે. જેના પગલે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Leave a Comment