સાબરકાંઠા: કોવિડ હોસ્પિટલોની પળેપળની માહિતી હવે આંગળીના ટેરવે, ખાસ એપ લોન્ચ

સાબરકાંઠા-હિતેશ રાવલ: કોરોના મહામારીની બે લહેર થકી સમગ્ર વિશ્વમાં લાખો લોકો મોતને ભેટયા છે. ત્યારે આગામી ત્રીજી લહેરની સંભાવના પ્રબળ બની રહી છે. જોકે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે એક સોફ્ટવેર તેમજ વેબસાઈટ બનાવી છે કે જેના થકી ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે કોઈપણ કોરોના પોઝિટિવ દર્દી માટે હોસ્પિટલ તેમજ ઓક્સિજન સાથેનો બેડ, વેલ્ટીલેટર સહિતની તમામ વિગતો સરળતાથી મેળવી શકશે.

સામાન્ય સંજોગોમાં કોરોના મહામારી દરમિયાન કોઈપણ વ્યક્તિના સ્વજનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તો તેના માટે હોસ્પિટલ તેમજ જરૂરિયાત મુજબનો ઓક્સિજન કે વેન્ટિલેટર બેડની જાણકારી મેળવવી ખૂબ મુશ્કેલ બને છે. જોકે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવેલી વેબસાઇટ તેમજ સોફ્ટવેર થકી સરળતાથી સમગ્ર જિલ્લાની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો સહિતની વિગતો મેળવી શકાશે.

કોરોના મહામારી દરમિયાન પ્રથમ અને બીજી લહેરમાં કેટલાય લોકો માટે પોતાના સ્વજનને કઈ હોસ્પિટલમાં દાખલ કરવા તે ખૂબ મોટી સમસ્યા થઈ હતી. જોકે સાબરકાંઠામાં આવેલી હોસ્પિટલોમાં કેટલીક જગ્યાએ બેડ ખાલી હતા તો કેટલીક જગ્યાએ સમગ્ર હોસ્પિટલ હાઉસ ફુલ બની રહી હતી તેવા સમયે સંજોગે સાબરકાંઠા વહીવટીતંત્ર દ્વારા છેવાડાના વ્યક્તિ માટે ઊભી કરાયેલી આ વ્યવસ્થા સમગ્ર સાબરકાંઠા જિલ્લા વાસીઓ માટે કોરોના મહામારીની ત્રીજી લહેરમાં આશીર્વાદ સ્વરૂપ બની રહે તેમ છે.

સાબરકાંઠા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવેલી આ વેબસાઈટ થકી સાબરકાંઠા જિલ્લાની કુલ 39 જેટલી હોસ્પિટલોમાં 1300 થી વધુ બેડ તેમજ વોલટીનેટર અને ઓક્સિજનની સુવિધા સાથેની સંપૂર્ણ વિગતો દર્શાવી છે. જેથી આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ આવનાર દર્દી માટે કઈ હોસ્પિટલમાં કઈ સુવિધા મળી રહેશે તે જાણવું સરળ બની રહેશે જો કે ગુજરાતભરમાં આવો પ્રયાસ માત્ર સાબરકાંઠા વહીવટીતંત્ર દ્વારા કરાયો છે જે કાબિલેતારીફ હોવાની સાથોસાથ સમગ્ર ગુજરાત માટે દિશાસૂચન બની રહે તેમ છે. ત્યારે એ રહે છે કે આ મામલે આગામી સમયમા કોરોના મહામારીની ત્રીજી લહેરમાં વહીવટીતંત્ર કેટલું સાબદુ પુરવાર થાય છે.

Leave a Comment