સાવરકુંડલામાં અનોખો ધ્વજવંદન કાર્યક્રમ: રાષ્ટ્રીય પર્વને ઉજવવાનો સમય નથી તે ખૂબ દુઃખની વાત-ભક્તિ બાપુ

નટવરલાલ જે ભાટિયા, સાવરકુંડલા

આજે દેશભરમાં 75માં સ્વાતંત્ર્ય દિનની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે સાવરકુંડલાથી ૫ કિલોમીટર દૂર હાથસણી રોડ પર આવેલા મનોરોગી આશ્રયસ્થાન માનવ મંદિર આશ્રમમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. આ આશ્રમમાં માત્ર રાષ્ટ્રીય ભાવનાઓને ઉજાગર કરવાનો અને રાષ્ટ્રભાવના જગાડવા માટેના તહેવારો ઉજવાય છે જેના ભાગરૂપે આજે સ્વતંત્રતા પર્વ ઉજવણી કરવામાં આવી છે.

રાષ્ટ્રીય પર્વને ઉજવવાનો લોકો પાસે સમય નથી તે ખૂબ જ દુઃખની વાત

અમરેલીના ખ્યાતનામ સેવાભાવી ડો. ભરત કાનાબારના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે ડોક્ટર કાનાબારે જણાવ્યું કે જે રીતે સવારમાં વહેલા મંગળા આરતી અને વહેલી નમાઝ પઢવાનો લોકોને ટાઈમ છે પરંતુ વર્ષમાં બે વાર આવતા રાષ્ટ્રીય પર્વને ઉજવવાનો સમય નથી તે ખૂબ જ દુઃખની વાત છે. ત્યારે આ મનોરોગી પોતાના જીવનમાં રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાના ભક્તિ બાપુના પ્રયાસ ખુબ સરાહનીય છે.

છેલ્લા આઠ વર્ષથી રખડતા ભટકતા મનોરોગી બહેનોની વિનામૂલ્યે સારવાર કરી પુનર્જીવન પ્રાપ્ત કરવાના પ્રયાસની સેવા કરી રહેલા ભક્તિ બાપુએ માત્ર માનવતાનો ધર્મ સ્વીકારી આ મનોરોગી મહિલાઓને રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ એક દુઃખ વ્યક્ત વ્યક્ત કરતા તેઓએ જણાવ્યું કે તે દેશની સુરક્ષા કરી રહેલા જવાનો છે તેમની સેવાને પણ આ તકે ભૂલવી ન જોઈએ અને દરેકે જ્ઞાતિ જાતિ અને ધર્મના વાડામાંથી બહાર આવી સૌ પ્રથમ રાષ્ટ્રીયધર્મ સ્વીકારવો જોઈએ.

શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ડૂબેલા આ દેશવાસીઓ ને ધર્મગુરુઓ ધર્મની સાથે જો રાષ્ટ્ર ભાવના ઉજાગર કરવાનો પ્રયાસ કરશે તો સ્વતંત્રતા માટે આપેલા બલિદાનના સ્વાતંત્ર સેનાનીઓના આત્માને ચોક્કસ શાંતિ થશે.

Leave a Comment