સોશિયલ મીડિયાના યુગમાં લોકોમાં જાગૃતતા આવે તે માટે સાયબર ડે ની ઉજવણી

દર મહિનાના પહેલા બુધવારે સેમિનાર યોજી સાયબર ક્રાઈમ દ્વારા લોકોમાં અવેરનેશ આવે તે માટે સેમિનાર યોજાશે: શૈક્ષણિક સંસ્થા એન.જી.ઓ હેમુગઢવી હોલ ખાતે ઉપસ્થિત રહ્યાં; પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મેયરે સાયબર ક્રાઈમની માહિતી આપી

આજના સોશિયલ મીડિયાના યુગમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતતા આવે અને ઓનલાઈન ફ્રોડનો ભોગ બનતા અટકે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દર મહિનાના પહેલા બુધવારે લોકોમાં સાયબર જાગૃતતા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા હેમુગઢવી હોલ ખાતે સાયબર ડે તરીકે ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટ શહેર પોલીસ દ્વારા હેમુગઢવી હોલ ખાતે લોકોમાં સાયબર ક્રાઈમના ગુના સંદર્ભે જાગૃતતા આવે તે માટે સાયબર ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, રૂરલ એસ.પી. બલરામ મીણા, ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જુદી-જુદી શૈક્ષણિક સંસ્થાના યુવા વિદ્યાર્થીઓ, એન.જી.ઓ.ના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

સોશિયલ મીડિયાના યુગમાં ઓનલાઈન ફ્રોડના બનાવો વધી રહ્યાં છે ત્યારે લોકો ઓનલાઈન ચીટીંગનો ભોગ બનતા અટકે તે આશયથી દર મહિનાના પહેલા બુધવારે સાયબર ડે તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો છે.

આ તકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, ક્રાઈમની દુનિયામાં કોરોના બાદ સાયબર ક્રાઈમના ગુનાઓનો ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. જેના માટે અલગ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે.

વધુમાં જણાવ્યા પ્રમાણે લોકો થોડા જાગૃત બને તો સોશિયલ મીડિયામાં ચીટીંગનો ભોગ બનતા અટકે અને આવા ગુના ઉકેલવા માટે સાયબર ક્રાઈમની ટીમ લોકો સાથે તેમજ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ સાથે સંકલન કરી ગુનાઓનો ભેદ ઉકેલી નાખે છે.

રાજકોટના મેયર પ્રદીપ ડવે આ તકે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના યુગમાં સાયબર ક્રાઈમના ગુના વધુ બને છે તેમાંય ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ ભોગ બને છે ત્યારે લોકોમાં જાગૃતતા આવે તે માટે દરેક કોલેજો યુનિવર્સિટીમાં આવા કાર્યક્રમ યોજીને વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે માટે સેમીનાર યોજવા જોઈએ. આ માટે રાજકોટ મહાનગરપાલિકા પોલીસતંત્રની સાથે રહેશે અને બનતી મદદ કરશે તેમ જણાવ્યું હતું.

સાયબર ક્રાઈમના 500થી વધુ ગુના ઉકેલી રૂા.2 કરોડ લોકોને પરત ર્ક્યા

આ ઉપરાંત સોશિયલ મીડિયાના પ્લેટફોર્મની મદદથી ખોવાયેલા કે ચોરાઈ ગયેલા 5000થી વધુ મોબાઈલોનો આઈ.એમ.ઈ.આઈ. નંબર પરથી લોકોને મોબાઈલ ફોન પરત અપાવી દીધા હોવાનું અંતમાં જણાવ્યું હતું. લોકોમાં જાગૃતતા આવે તે માટે સાયબર ડે ની ઉજવણી કરવાના સરકારના નિર્ણયના ભાગરૂપે આજે પ્રથમ સેમીનારમાં માહિતી આપતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ‘અબતક’ને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સાયબર સેલ દ્વારા 500થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી નાખી ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિઓના 2 કરોડ પરત અપાવી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

Leave a Comment