સૌરાષ્ટ્રમાં લીલા દુષ્કાળની દહેશત

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 190 તાલુકાઓમાં વરસાદ: સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સવારથી વરસી રહ્યો છે વરસાદ

જળાશયો ઓવરફલો થઈ ગયા હોય હવે સામાન્ય વરસાદ પણ જળ હોનારત સર્જે તેવો ભય

મેઘરાજાએ સપ્ટેમ્બર માસમાં અનરાધાર કૃપા વરસાવતા હવે સૌરાષ્ટ્રમાં લીલા દુષ્કાળનો ભય ઝળુંબી રહ્યો છે. આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં મોસમનો 102.63 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની દહેશત ઉભી થવા પામી છે.

આજે સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. મોટાભાગના જળાશયો ઓવરફલો થઈ ગયા છે. હવે સામાન્ય વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જાય છે અને જળ હોનારતનો ખતરો ઝળુંબી રહ્યો છે. આજે સવારે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ 33 જિલ્લાના 190 તાલુકાઓ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે.

રાજ્યમાં 90 ટકા વરસાદ વરસી ગયો છે. આજે સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે રાજકોટ જિલ્લામાં મધરાત્રે સાર્વત્રીક અનરાધાર વરસાદ પડ્યો હતો. લોધીકા, ગોંડલ, રાજકોટ, કોટડા સાંગાણીમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જામકંડોરણામાં ત્રણ ઈંચ, ધોરાજી, જેતપુર, પડધરીમાં અઢી ઈંચ, જસદણમાં બે ઈંચ અને વિંછીયામાં દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો.

આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં સાડા ત્રણ ઈંચ, ચોટીલામાં ત્રણ ઈંચ, સાયલામાં અઢી ઈંચ, મુળી અને લીંબડીમાં પોણા બે ઈંચ, થાનમાં એક ઈંચ, જામનગરના કાલાવાડમાં બે ઈંચ, જામજોધપુરમાં દોઢ ઈંચ, જૂનાગઢ જિલ્લાના ભેંસાણ, વિસાવદરમાં અઢી ઈંચ, જૂનાગઢમાં બે ઈંચ, માળીયા હાટીના, મેંદરડામાં પોણા બે ઈંચ, વંથલીમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.

ગીર સોમનાથના ગીરગઢમાં બે ઈંચ, કોડીનાર, સુત્રાપાડા, તાલાલામાં ઉના, વેરાવળમાં એક ઈંચ, અમરેલી જિલ્લાના વડીયામાં ત્રણ ઈંચ, બાબરામાં સવા ત્રણ ઈંચ, રાજુલામાં અઢી ઈંચ, અમરેલી, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, સાવરકુંડલામાં એકથી દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લાના મહુવા, ભાવનગરમાં ત્રણ ઈંચ, વલ્લભીપુર, જેશર, સિહોરમાં બે ઈંચ, ગારિયાધાર, ઘોઘા, પાલીતાણા, તળાજા, ઉમરાળામાં એકથી દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બોટાદમાં સાડા ત્રણ ઈંચ, બરવાળામાં ચાર ઈંચ, રાણપુરમાં અઢી ઈંચ, ગઢડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.

સૌરાષ્ટ્રમાં ચાલુ સાલ સિઝનનો 102 ટકાથી પણ વધુ વરસાદ વરસી ગયો છે. મોટાભાગના જળાશયો ઓવરફલો થઈ ગયા છે. હવે સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જાય છે. સૌરાષ્ટ્રમાં લીલા દુષ્કાળનો ખતરો ઝળુંબી રહ્યો છે. હજી બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં સરેરાશ 393.51 મીમી જેટલો વરસાદ વરસી ગયો છે. હવે મેઘરાજાને ખમૈયા કરવા જગતાત વિનવી રહ્યાં છે.

આજે સવારથી સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર સહિતના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં સિઝનનો 102.63% વરસાદ

રાજ્યમાં સરેરાશ 90% વરસાદ: કચ્છમાં 93.60, ઉત્તર ગુજરાતમાં 70.93%, પૂર્વ-સેન્ટ્રલ ગુજરાતમાં 81.17% અને દક્ષિણ ગુજરાતમાં 89.63% વરસાદ વરસી ગયો

એક મહિના પહેલા જ્યાં દુષ્કાળના ડાકલા વાગતા હતા તેવા સૌરાષ્ટ્રમાં આજે સિઝનનો 102.63 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં 90 ટકા વરસાદ પડી ગયો છે.

વર્ષ 1991 થી 2020 સુધીમાં ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં 840 મીમી વરસાદ વરશે છે. આજ સુધીમાં 755.92 મીમી વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં સરેરાશ 89.99 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 700.62 ટકા વરસાદ ચોમાસાની સીઝનમાં પડે છે.

જેની સામે આજ સુધીમાં 719.14 મીમી વરસાદ વરસી ગયો છે. મોસમનો કુલ 102.63 મીમી વરસાદ પડ્યો છે. કચ્છમાં 93.60 ટકા, ઉતર ગુજરાતમાં 70.93 ટકા વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 81.17 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 89.63 ટકા વરસાદ પડ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 75.63 ટકા, રાજકોટ જિલ્લામાં 122.28 ટકા, મોરબી જિલ્લામાં 88.66 ટકા, જામનગર જિલ્લામાં 122.28 ટકા, મોરબી જિલ્લામાં 88.66 ટકા, જામનગર જિલ્લામાં 125.59 ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 119.59 ટકા, પોરબંદર જિલ્લામાં 114.72 ટકા, જૂનાગઢ જિલ્લામાં 114.76 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 85.40 ટકા, અમરેલી જિલ્લામાં 96.13 ટકા, ભાવનગર, જિલ્લામાં 93.15 ટકા અને બોટાદ જિલ્લામાં 102.63 ટકા વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રમાં આજે-કાલે ભારે વરસાદની આગાહી

આજે રાજકોટ અને જૂનાગઢમાં અતિભારે જામનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના

ગુજરાત પર સર્જાયેલુ લો-પ્રેશર આજે વેલમાર્ક લો-પ્રેશરમાં પરિવર્તીત થઈ અરબી સમુદ્રમાં પ્રવેશ્યા બાદ ડિપ્રેશનમાં ફેરવાશે જેની અસરતળે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજકોટ અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગત મધરાત્રે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર હાલ લો-પ્રેશર સક્રિય છે જે વેલમાર્ક લો-પ્રેશરમાં પરિવર્તીત થશે અને અરબી સમુદ્રમાં પ્રવેશ્યા બાદ ડિપ્રેશનમાં ફેરવાશે જેની અસરતળે આજે વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે આણંદ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, તાપી, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ પડશે. 40 થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલે બુધવારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

Leave a Comment