હવે, ધો.9 થી 12ની પ્રથમ કસોટી માટે ખાનગી શાળાઓ જાતે જ પ્રશ્નપત્ર કાઢી શકશે

અબતક, રાજકોટ

ખાનગી સ્કૂલોના સંચાલકોના વિરોધ બાદ અંતે ગુજરાત શિક્ષણ બોર્ડે ધો. ૯થી૧૨ની પ્રથમ સત્ર પરીક્ષામાં બોર્ડના પ્રશ્નપત્રોમાંથી મુક્તિ આપી છે. હવે સ્કૂલો પોતાની રીતે પ્રશ્નપત્રો તૈયાર કરી અને પ્રિન્ટ કરાવી પરીક્ષા લઈ શકશે. ૧૮મી ઓક્ટોબરથી ધો. ૯થી૧૨ની પ્રથમ સત્ર શાળાકીય પરીક્ષાઓ શરૃ થઈ રહી છે ત્યારે બોર્ડ દ્વારા દરેક જિલ્લામાં પ્રશ્નપત્રો મોકલાશે પરંતુ જે સ્કૂલો પોતાના પ્રશ્નપત્રોથી પરીક્ષા લેવા માંગતી હોય તેઓને છૂટ મળશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ૯થી૧૨માં ગણિત, વિજ્ઞાાન,અંગ્રેજી,એકાઉન્ટ,ફિઝિક્સ,કેમિસ્ટ્રી, બાયોલોજી સહિતના મુખ્ય વિષયોની પરીક્ષા બોર્ડના પ્રશ્નપત્રોથી લેવાનું નક્કી કર્યુ છે અને જે મુજબ આ વર્ષે ૧૮મી ઓક્ટોબરથી કોમન પરીક્ષા કાર્યક્રમ મુજબ તમામ સ્કૂલોમાં ધો.૯થી૧૨ની પરીક્ષા લેવામા આવનાર છે. જે માટે દરેક જિલ્લામાં બોર્ડ દ્વારા પ્રશ્નપત્રો મોકલવામા આવનાર હતાં. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ સહિતના વિવિધ સંચાલક મંડળોએ બોર્ડને કોમન પરીક્ષામાંથી મુક્તિ આપવામા માંગ કરી હતી અને પોતાની રીતે પરીક્ષા લેવા દેવાની છુટ આપવા રજૂઆત કરી હતી. જેને પગલે આજે બોર્ડે નવો પરિપત્ર કરીને સ્કૂલોને બોર્ડના પ્રશ્નપત્રોમાંથી મુક્તિ આપી છે.

સ્કૂલોમાં ૫૦ ટકા હાજરી રાખવાની હોય છે અને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે વિદ્યાર્થીઓને ભણાવવાના હોય છે,જેથી સ્કૂલોએ રજૂઆત કરી હતી કે ગ્રામ્યની, શહેરોની સ્કૂલોમાં અલગ અલગ રીતે અભ્યાસક્રમ ચાલ્યા છે તેમજ ધો.૧૨ની સ્કૂલો ૧૫ જુલાઈથી અને ધો.૯થી૧૧ માટે ૨૬ જુલાઈથી સ્કૂલો શરૃ થઈ હતી. આમ એક સૂત્રતા જળવાઈ નથી.સ્કૂલોની રજૂઆતને પગલે બોર્ડે હવે પોતાના પ્રશ્નપત્રોથી સ્કૂલોને પરીક્ષા લેવાની છુટ આપી દીધી છે.

ધો. ૯થી ૧૨માં સ્કૂલો હવે પોતાની રીતે શાળા કક્ષાએ જ પ્રશ્નપત્રો તૈયાર કરાવીને પ્રથમ સત્ર પરીક્ષા લઈ શકશે. બોર્ડ દ્વારા તમામ જિલ્લાઓમાં બોર્ડે તૈયાર કરેલા પ્રશ્નપત્રો મોકલાશે પરંતુ શાળાઓને વિકલ્પ મળશે .જે સ્કૂલો બોર્ડના પ્રશ્નપત્રોથી અને જે સ્કૂલોના પોતાના પ્રશ્નપત્રોથી પરીક્ષા લેવા ઈચ્છે તો લઈ શકશે.બોર્ડના પ્રશ્નપત્રોના ઉપયોગ હવે સ્કૂલો માટે મરજીયાત રહેશે.

Leave a Comment