હીરાસર એરપોર્ટનું મેઈન ટર્મિનલ બનશે રૂ.280 કરોડના ખર્ચે : ટેન્ડર ફાઈનલ

મુખ્ય ટર્મીનલના બાંધકામ માટે થયેલી ટેન્ડર પ્રક્રિયામાં 18થી વધુ એજન્સીએ દાખવ્યો હતો રસ : ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં નિયત એજન્સીને કામ આપવા ઉપરી કક્ષાએ દરખાસ્ત

રાજકોટમાં રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ખાતે નિર્માણ પામી રહ્યું છે. રૂ. 1400 કરોડના ખર્ચે બનારા હીરાસર એરપોર્ટના મુખ્ય ટર્મિનલ બનાવવાના કામનો કોન્ટ્રાક્ટ ફાઇનલ થઈ ગયો છે. અમદાવાદની યશનંદન એજન્સી રૂ. 280 કરોડના ખર્ચે આ કામ હાથમાં લેશે.

રાજકોટના અમદાવાદ હાઇ-વે પર હીરાસર પાસે નવા ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો  આ ડ્રિમ પ્રોજેકટ હોવાથી જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ આવતા વેંત જ આ પ્રોજેકટ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેઓએ સતત એરપોર્ટના કામ ઉપર મોનીટરીંગ કરી રહ્યા છે. તાજેતરમાં જ તેઓએ અહીંની સ્થળ વિઝીટ લઈને સબંધિત તમામ વિભાગો સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપવાની સાથે કામને વેગ આપવાની પણ સૂચનાઓ આપી હતી.

તાજેતરમાં જ એરપોર્ટના મુખ્ય ટર્મીનલના બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 18થી વધુ એજન્સીએ રસ દાખવ્યો હતો. તેનુ ટેન્ડર ખુલ્યુ છે. રૂ.279 કરોડના ખર્ચે આ મેઇન ટર્મિનલ નિર્માણ થશે. ટેન્ડર પ્રક્રિયામાં રસ દાખવનાર 18 એજન્સીમાંથી અમદાવાદની યશનંદ એન્જિનીયર એન્ડ ક્ધટ્રકસન નામની એજન્સીને એજન્સીને કામ આપવા માટે દરખાસ્ત થઇ છે. તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

જમીન ભારે ઉબડ- ખાબડ, લેવલિંગમાં તંત્રને પરસેવો વળી ગયો

આ જગ્યા ઉપરની જમીન ખૂબ જ ખાડા ટેકરા વાળી હોવાથી આ ઉબડખાબડ જમીનનું લેવલીંગ કરવાનું કાર્ય પડકારજનક હતું. કોઈક સ્થળે 1ર થી 14 મીટર જમીન ઊંચી-નીચી હોવાથી મોટા પાયે મશીનરી, મેનપાવર મૂકીને તેના લેવલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. એપ્રન એરિયાનો પથારો 354-152 મીટર રહેશે. પેરેલલ ટેકસી ટ્રેક ત્રણ લિન્કથી જોડાયેલ છે. જેનું કામ પણ 90 ટકા પૂર્ણ થયેલ છે.

જયારે ગ્રેડિંગ વર્ધ પ0 ટકા થઈ ગયું છે. ર7 કિ.મી., બાઉન્ડ્રી વોલ પૈકી સાત કિ.મી.નું કામ પૂર્ણ થઈ ગયું છે. એ પહેલા ઓપરેશન વોલ પણ અંદાજે 11 થી 14 કિ.મી.ની રહેશે. જયાં સમાંતર ડામર રોડ અને વોચ ટાવરો પણ ઉભા કરાશે. મોટું ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે. ટ્રેકને ટ્રાફિક મુકત કરવા માટે આઈસોલેટેડ ઝોન પણ બનાવવામાં આવી રહ્યો છે.

હીરાસર એરપોર્ટ અને એઇમ્સનું સતત મોનિટરિંગ કરતા કલેકટર

રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના બે મોટા ડ્રીમ પ્રોજેક્ટ એઇમ્સ હોસ્પિટલ અને હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ ઝડપથી પુર્ણ કરવા આ બન્ને પ્રોજેક્ટ ઝડપથી પુર્ણ કરવા માટે વહીવટી અને સિવિલ વર્કની કામગીરી તેજ બનાવવામા આવી છે. દરમિયાન હીરાસર એરપોર્ટના કામની છેલ્લી સ્થિતિ શું છે? કામ ક્યા પહોંચ્યુ છે? એ સહિતની માહિતી જાણવા માટે ગત સપ્તાહે કલેકટરે સમીક્ષા બેઠક બોલાવી હતી.આ ઉપરાંત કલેકટર અરુણ મહેશ બાબુ બન્ને કામનું સતત મોનીટરીંગ કરી રહ્યા છે.

રન વે ઉપર પાણી ન રહે તે માટે 120 કરોડના ખર્ચે બોક્સ કલવર્ટનું કામ હાથ ધરાશે

હીરાસર એરપોર્ટના રન-વે હેઠળથી પાણીનો પ્રવાહ પસાર થતો રહેવા દેવા બોકસ કલવર્ટ પધ્ધતિ અપનાવવામાં આવી રહી છે. આ કામ રૂ. 120 કરોડના ખર્ચે મંજુર કરવામાં આવ્યું છે. જો કે તેની ડીઝાઈન અત્યાર સુધી ફાઇનલ ન થવાથી રન-વેનું ધીમી ગતિએ ચાલી રહ્યું હતું.  બોકસ કલવર્ટ મુજબની ડિઝાઈન સ્ટેટ એવિએશન ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક  તંત્રના ફીડબેક આધારિત હશે. જે ટૂંક સમયમાં ફાઇનલ થાય તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Leave a Comment