19મીથી સંસદનું ચોમાસુ સત્ર: રસીકરણ પછીની વિકાસની નીતિ પર સત્ર તોફાની બનશે ?

સંસદમાં પ્રવેશ કરનારા તમામ માટે વેક્સિનનો કમ સે કમ એક ડોઝ ફરજીયાત

આગામી તા.19મી જુલાઈથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે રાજકીય નિરીક્ષકોના મતે કોરોના રસીકરણ અને ત્યારબાદ વિકાસની નીતિ જેવા મુદ્દાઓ પર આગામી સંસદીય સત્ર તોફાની બની રહેવાની પુરેપૂરી શકયતા છે. ચોમાસુ સત્રની લગભગ 20 બેઠક યોજાશે અને એક મહિના જેટલું ચાલશે. 13મી ઓગષ્ટે ચોમાસુ સત્રની પૂર્ણાહુતિ થશે. સામાન્ય રીતે ચોમાસુ સત્ર જુલાઈના ત્રીજા સપ્તાહમાં શરૂ થતું હોય છે અને સ્વાતંત્ર્ય દિનના એક દિવસ અગાઉ પરિપૂર્ણ થઈ જતું હોય છે. પરંતુ આ વખતે કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.

દેશ અત્યારે કોરોનાની મહામારીના બે તબક્કાનો સામનો કરી ચૂક્યો છે. ત્રીજા તબક્કાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. ઘરેલુ અને વિદેશી વેક્સિન અંગે આયોજનો થઈ રહ્યાં છે. ઘર આંગણે તૈયાર થયેલી વેક્સિન 30 કરોડથી વધુ લોકોને અપાઈ ગઈ છે. વેક્સિનેશન અને ત્યારબાદની વિકાસની નીતિઓ તેમજ અર્થતંત્રના મુદ્દા પર સંસદનું આ સત્ર ધમાલભર્યું અને તોફાની બની રહેવાની શકયતા છે. વિરોધપક્ષો એક થઈને સરકાર સામે મોરચો માંડવાનું આયોજન કરી રહ્યાં છે. આ સત્રમાં કેટલાંક મહત્વના  ખરડા પણ મુકવામાં આવે તેવી પણ સંભાવના છે.

સંસદ પરિસરમાં કોવિડના તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ અપાયો છે. સંસદ ગૃહ અને પરિસરમાં આવનાર દરેક માટે વેક્સિનનો કમ સે કમ એક ડોઝ લેવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સંસદીય બાબતોની કેબીનેટ સમીતીએ પ્રોટોકોલનું પાલન કરવાની તાકીદ કરી છે અને એવી આશા રાખી છે કે, સંસદમાં આવનારા બધા વેક્સિનનો ડોઝ લઈને આવશે. સંસદના સત્ર અને તેની અવધી અંગે કેબીનેટ સમીતીએ ભલામણો કરી હતી તે મુજબ સત્રની તારીખો ગોઠવવામાં આવી છે.

Leave a Comment