86 કરોડની થાપણ ચાંઉના ગુનાના દંપતી સહિત 4ના જામીન રદ

માય મની સોલ્યુશન્સ, ભાવનગરના સંચાલકે તેના મુત્યુ પૂર્વે થાપણોમાંથી રકમ કુટુંબીઓના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યો હોવાનો પર્દાફાશ થયો’તો

ભાવનગર પંથકના લોકોને લલચાવી 86 કરોડ જેટલી રકમની ડિપોઝિટ ઉઘરાવીને  નાણા ડુબાડવાના ચકચારી પ્રકરણમાં મૃતક મુખ્ય સંચાલકના પત્ની, માતા-પિતા સહિત ચાર શખસોની ચાર્જશીટ પછીની જામીન અરજી રાજકોટની સ્પેશ્યલ જીપીઆઇડી કોર્ટએ ફગાવી દીધી છે.

વિગત મુજબ “માય મની સોલ્યુશન્સ” નામથી પેઢી ચલાવતા ઈન્દ્રજીતસિંહ સરપાલસિંહ ગોહિલે ભાવનગર પંથકમાંથી 219 થાપણદારો પાસેથી ઊંચા વ્યાજ અને મોટા નફાની લોભામણી લાલચ આપી રૂા. 86 કરોડની થાપણો મેળવી હતી. બાદમાં જાન્યુઆરી 2021માં ઈન્દ્રજીતસિંહ સુરપાલસિંહ ગોહિલનું અવસાન થતા તમામ થાપણદારોએ ગુજરનારના પિતા સુરપાલસિંહ પાસે પોતાની થાપણોની રકમો પરત માગી હતી. આ માગણી સામે સુરપાલસિંહે તમામ થાપણદારોને 2કમ પરત ચુકવવાને ધાકધમકીઓ આપતા હોવાથી થાપણદારોએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદને પગલે ગુજરનાર ઈન્દ્રજીતસિંહ ગોહિલના પિતા સુરપાલસિંહ, માતા પ્રવિણાબા સુરપાલસિંહ અને પત્ની તૃપ્તિબા ઈન્દ્રજીતસિંહ અને પિતરાઈ ભાઈ જયદિપસિંહ ગોહિલની ધરપકડ કરી હતી. તપાસ બાદ ચારેયને કોર્ટના હુકમથી જેલ હવાલે કરાયા હતા.

તપાસ પૂર્ણ થતા ચાર્જશીટ રજૂ થતા તેમાં બંને મહિલા સહિત ચારેય આરોપીએ જામીન અરજીઓ કરી હતી. સરકાર તરફે સ્પે. પી.પી. એસ.કે.વોરાએ જણાવેલ હતું કે ગુજરનાર ઈન્દ્રજીતસિંહ ગોહિલ થાપણો મેળવવાનો જે વ્યવસાય કરતા હતા તે માટે તેણે સરકારની કે આર.બી.આઈ.ની કોઈ પરવાનગી લીધેલ ન હતી. થાપણોમાંથી ઘણી મોટી રકમો આંગડીયા પેઢી મારફતે ટ્રાન્સફર કરવામાં આવેલ હતી.  આરોપીઓએ “માય મની સોલ્યુશન્સ” થાપણદારો પાસેથી  રકમો ચેકથી મેળવેલ હતી.

થાપણદારોની કાયદેસરની રકમને કાળા નાણામાં ફેરવી “માય મની સોલ્યુશન્સ” આંગડીયા પેઢીઓ મારફત ગેરકાનુની વ્યવહાર કરતી હતી. ગુજરનાર ઈન્દ્રજીતસિંહ ગોહિલના પિતા, માતા અને પત્નીએ આ રીતે પોતાના બેંક ખાતામાં મેળવેલ રકમ કોર્ટમાં જમા કરાવવાની કોઈ જ પ્રકારની તૈયારી દર્શાવેલ નથી આ પ્રકારના લાભાર્થીઓને જામીન ઉપર મુકત કરવા કાયદાકીય ઉદ્દેશથી વિરૂધ્ધની વાત છે. સ્પે. પી.પી.ની રજુઆતના અતે સેશન્સ જજે બંને મહિલાઓ સહિત ચારેય આરોપીઓની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજીઓ રદ કરી હતી. આ કેસોમા સ્પે. પી.પી. તરીકે સરકાર તરફે રાજકોટ જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા છે.

Leave a Comment